મની લોન્ડ્રિંગ મામલે કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે શિવકુમારની ઈ.ડીએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ ઈડીએ કર્ણાટક કોંગ્રેસના એક મોટા નેતા ડી.કે શિવકુમારની ધરપકડ કરી છે. ડી.કે શિવકુમારની ધરપકડના સમાચારો સાંભળતા જ તેમના સમર્થકો ઈડી કાર્યાલય બહાર એકત્ર થઈ ગયા, અને સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમણે ધરપકડ બાદ તેમને પ્રક્રિયાગત હેલ્થ ચેકઅપ માટે લઈ જનારા તપાસ અધિકારીઓને પણ રોક્યા હતા.

પૂર્વ કેબિનેટ પ્રધાન અને કનકપુરા ધારાસભ્ય શિવકુમાર પૂછપરછ માટે ચોથીવાર ઈડીના સામે રજૂ થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમની પીએમએલએ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવાની જરુર છે, એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓ અનુસાર શિવકુમારને ઈડી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરશે અને તેમની ધરપકડની માંગ કરશે. ઈડીએ શિવકુમાર, નવી દિલ્હીમાં કર્ણાટક ભવનના કર્મચારી હનુમનથૈયા અને અન્ય વિરુદ્ધ ગત વર્ષે ધનશોધનનો મામલો નોંધ્યો હતો. જો કે શિવકુમારે કોઈપણ ગડબડીથી ઈનકાર કર્યો હતો.

કોંગ્રેસે ડી.કે શિવકુમારની ધરપકડને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે સરકારની નિષ્ફળતાઓ અને આર્થિક આપાતકાળ પર પડદો પાડવાના પ્રયત્નો અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં એપણ કહ્યું કે શિવકુમાર નિર્દોષ હતા અને નિર્દોષ છે અને પાર્ટી કોર્ટ અને જનતા સમક્ષ આના પૂરાવા રજૂ કરશે.

તેમણે એપણ કહ્યું કે શિવકુમાર વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે અર્થવ્યવસ્થા અત્યારે સંકટમાં છે, જીડીપી વિકાસદર પાંચ ટકા ઘટ્યો છે, દરેક ક્ષેત્ર બેરોજગારીની ઝપેટમાં છે. આ બધા પરથી ધ્યાન ભટકાવવા માટે ભાજપા સરકાર કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ કરી રહી છે. તેમણે એપણ દાવો કર્યો કે આખા દેશમાં આર્થિક આપાતકાળનો જે માહોલ છે, તેના પર પડદો પાડવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ભાજપા સરકાર આનાથી બચી નહી શકે.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે, ડી.કે.શિવકુમારની ધરપકડ સ્પષ્ટ રુપે ભાજપા સરકાર દ્વારા કરવામાં આવેલી રાજનૈતિક બદલાની કાર્યવાહી છે. ચિદમ્બરમ બાદ એક અન્ય કોંગ્રેસ નેતા ભાજપાની ખરીદ-વેચાણની રાજનીતિ વિરુદ્ધ ઉભા થયા એટલા માટે આ બદલાની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

તેમણે દાવો કર્યો કે, આ કાર્યવાહીના માધ્યમથી ઈ.ડી અને સીબીઆઈ કેન્દ્રની ભાજપા સરકારની કઠપુતળી સાબિત થઈ છે. મોદી સરકારે રાજનૈતિક વિરોધીઓના ખોટા આરોપોમાં પરેશાન કરવાના ખોટા ચલણનો આરંભ કર્યો છે. વેણુગોપાલે કહ્યું કે, ડી.કે શિવકુમાર કોંગ્રેસના એક મજબૂત અને વફાદાર નેતા છે અને તેઓ હંમેશાથી ભાજપાના નિશાના પર રહ્યા છે.

શિવકુમારની ધરપકડ બાદ તેમના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે, તેમના વિરુદ્ધનો આ મામલો રાજનીતિથી પ્રેરિત છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, હું પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભચિંતકોને હતાશ ન થવાની અપીલ કરું છું, કારણ કે મેં કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે મને ઈશ્વર પર આપણા દેશની ન્યાય પાલિકા પર પૂર્ણતઃ ભરોસો છે, અને મને વિશ્વાસ છે કે હું આ પ્રતિશોધની રાજનીતિથી કાયદાકીય અને રાજનૈતિક રુપથી વિજેતા બનીને બહાર આવીશ. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે મને ધરપકડના મિશનમાં આખરે સફળતા પ્રાપ્ત કરવા માટે હું ભાજપા મિત્રોને શુભેચ્છાઓ આપું છું. મારા વિરુદ્ધ આઈટી અને ઈડીના મામલાઓ રાજનીતિથી પ્રેરિત છે અને હું ભાજપાની બદલાની અને પ્રતિશોધની રાજનીતિનો શિકાર થયો છું.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2017 માં અહેમદ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા, તે સમયે ગુજરાતના 44 ધારાસભ્યોને કર્ણાટક લઈ જવાયા હતા. આ સમયે ડી.કે શિવકુમારે આ ધારાસભ્યોના ઉતારાની વ્યવસ્થા કરી હતી, અને આખુ ઓપરેશન તેમણે સંભાળ્યું હતું. શિવકુમાર કોંગ્રેસના સંકટ મોચક ગણાય છે.