નવી દિલ્હી, તા. 29: આવતી કાલે (30 ઑગસ્ટે) વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ‘માસ્ટર હીલર ઑફ આયૂષ’ની છાપવાળી ટપાલટિકિટોનું અનાવરણ કરશે. પંડિતની કક્ષામાં આવતા આ 12 આરોગ્યવિદમાં ભારતીય ઔષધોપચાર ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્યનો સમાવેશ થાય છે.
‘આયુર્વેદ માર્તંડ’ તરીકે પ્રખ્યાત એવા પંડિત આચાર્ય કેવળ હઠીલા રોગનો ઉપચાર કરતા વૈદ જ નહોતા બલકે, સંશોધનકાર તથા આયુર્વેદનું જ્ઞાન આપનારા પ્રકાંડ પંડિત હતા. 20મી સદીના આરંભમાં એમણે ઊંડા અભ્યાસ ને સંશોધન બાદ “ત્રિદોષ-દ્રવ્યગુણ-રસ વીર્ય વીપાક તથા પંચમહાભૂત” પર આલેખેલો નિષ્કર્ષગ્રંથ આજે તબીબીજગતમાં પ્રમાણભૂત ગણાય છે. આ નિષ્કર્ષના આધારે એમણે લખેલાં પુસ્તક આજે ‘મ્યુઝિયમ ઑફ લંડન’માં પ્રદર્શિત છે.
વૈદ આચાર્યે ‘આયુર્વેદ ગ્રંથમાળા ટ્રસ્ટ’ની પણ સ્થાપના કરેલી. આ ટ્રસ્ટના નેજા હેઠળ એમણે આયુર્વેદના કંઈકેટલા બહુમૂલ્ય ગ્રંથનાં પ્રકાશન કરેલાં. જો એમણે આ ગ્રંથો પુનઃ પ્રકાશિત કરવાની પહેલ ન કરી હોત તો આ મહામૂલો ખજાનો ભારત ગુમાવી બેઠું હોત. આયુર્વેદમાં રસ ધરાવનાર કોઈ પણ વરણના આરોગ્યવિદ માત્ર એક રૂપિયાની વાર્ષિક ફી ભરીને આ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે.
1956માં વૈદ આચાર્ય જામનગર સ્થિત ‘પોસ્ટ-ગ્રેજ્યુએટ ટીચિંગ સેન્ટર ઑફ આયુર્વેદ’ના સર્વપ્રથમ ડીન બન્યા. ગયા વર્ષે વૈદ આચાર્યના પરિવારે એમના એક ગ્રંથ ‘સિદ્ધયોગ સંગ્રહ’નું અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં પુનઃ પ્રકાશન કર્યું. એમના પુત્ર, જાણીતા ઑન્કોલોજિસ્ટ ડૉ. વિષ્ણુદત્ત આચાર્યે આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ કર્યો. ‘આયૂષ મંત્રાલય’ના આદરણીય મંત્રી શ્રીપાદ નાયક આ ગ્રંથના લોકાર્પણ અવસરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આવા મહાન આરોગ્યવિદ, સંશોધનકારના માનમાં વડા પ્રધાન ટપાલટિકિટ બહાર પાડે એનું ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થવું ઘટે.