ફિટ ઈન્ડિયા લોન્ચ PM મોદીએ કહ્યું, ન્યૂ ઈન્ડિયાના દરેક નાગરિકને ફિટ બનાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી- વડાપ્રધાન મોદીએ આજે  રાજધાની દિલ્હીમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી. ફિટ ઈન્ડિયાની શરૂઆત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયામાં દરેક નાગરિકને ફિટ કરવાનું સરકારનું લક્ષ્ય છે. અહીં ઘણાં એવા લોકો છે જે સ્કૂલ-કોલેજ નથી જતાં પરંતુ તેમની અંદર પણ એક સ્ટુડન્ટ જીવતો છે. આજના દિવસે જ આપણે મેજર ધ્યાનચંદના રૂપમાં મહાન ખેલાડી મળ્યાં હતાં. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરવા માટે આજથી સારો દિવસ ન હોઈ શકે. વડાપ્રધાને કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમના પણ વખાણ કર્યા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે ફિટ છે તે પોત-પોતાના ક્ષેત્રમાં હિટ છે. દરેક પરિવારનો એજન્ડા ફિટનેસ હોવો જોઈએ. આપણે સ્વાર્થથી સ્વાસ્થ્ય તરફ જવાનું છે. મોદીએ કહ્યું ફિટનેસ માત્ર એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ જીવન જીવવા માટે જરૂર શરત છે. ફિટનેસ વિશે વડાપ્રધાને કહ્યું કે, સ્વચ્છ રહેવા અને ફિટ કરેવાનો ફંડા આપણા પૂર્વજોના સમયથી ચાલતો આવી રહ્યો છે. તેઓએ આ દરમિયાન સંસ્કૃતના શ્લોક સંભળાવ્યા અને ફિટનેસના લાભ ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ રહ્યું છે, સમયની સાથે ફિટનેસને લઈને સોસાયટીમાં ઉદાસીનતા આવતી રહી છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, કેટલાક દાયકા પહેલા સુધી એક સામાન્ય વ્યક્તિ પગપાળા ચાલતો હતો, કંઈકને કંઈક ફિટનેસ માટે કરતો હતો, પરંતુ આજે ટેક્નોલોજીના કારણે આપણે જાણી શકીએ છીએ કે કેટલા પગલા ચાલ્યા.

વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતમાં અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે, આજે 30 વર્ષના યુવકને પણ હાર્ટ અટેકના સમાચાર આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે આપણી લાઇફસ્ટાઇલના કારણે આવું થઈ રહ્યું છે, તેઓએ કહ્યું કે સરકાર પોતાનું કામ કરશે પરંતુ દરેક પરિવારને તેના વિશે વિચારવું પડશે.

 

પહેલા વર્ષે ફિઝિલક ફિટનેસની ઝૂંબેશ ચલાવવામાં આવશે જ્યારે બીજા વર્ષે ખાવાની આદતને લઈને ઝૂંબેશ ચલાવવામાં આવશે. ત્રીજા વર્ષે પર્યાવરણને સ્વચ્છ રાખવા વિશે ઝૂંબેશ ચલાવવામાં આવશે. ચોથા વર્ષમાં બીમારીને દૂર રાખવાની ઝૂંબેશ ચલાવવામાં આવશે.

 

નોંધનીય છે કે, હોકીના મહાન પ્લેયર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે ભારતમાં દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવે છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં ઉદ્યોગ જગત, ફિલ્મી જગત, રમત-જગત ઉપરાંત અન્ય અનેક હસ્તીઓ સામેલ થશે. આ ઝૂંબેશ પર ભારત સરકારના રમત-ગમત મંત્રાલય ઉપરાંત માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય પરસ્પર સંકલનથી કામ કરશે.

આ મૂવમેન્ટ  હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીને 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે અને તેને પોતાના કોલેજ કે યુનિવર્સિટીના પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ પર કરવો પડશે.

હાલમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલમ્પિક સંઘ (IOA), NSF, સરકારી અધિકારી તથા પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા. રમત-ગમત તથા યુવા મામલાઓ તરફથી જાહેર એક નિવેદન મુજબ, રાષ્ટ્રવ્યાપી આંદોલનથી શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરાશે, જેથી તેની શારીરિક ફિટનેસ અને કલ્યાણમાં સુધાર કરવામાં આવી શકે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), IOA, ભારતીય એથલેટિક્સ મહાસંઘ, અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ અને ભારતીય સાઇક્લિંગ મહાસંઘ જેવા રાષ્ટ્રીય મહાસંઘોના સભ્યોને તેમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજૂ આ સમિતિના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેમાં ખાનગી એકમોને પણ સામેલ કરવામાં આવ્યા છે.