નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વૈશ્વિક પુરસ્કારથી નવાજવામાં આવશે. વડાપ્રધાનને સ્વચ્છતાની દિશામાં કરાયેલા મહત્વના સુધારા અને તેના નેતૃત્વ માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આગામી સપ્તાહે ગોલકિપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નાં ઉચ્ચસ્તરીય સત્રમાં સામેલ થવા માટે અમેરિકા જવાના છે. આ દરમિયાન તેઓ બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં વૈશ્વિક નેતાઓ અને કોર્પોરેટ અધિકારીઓને પણ સંબોધિત કરશે. ફાઉન્ડેશને જણાવ્યું હતું કે પીએમ મોદીને ૨૦૧૯નો ‘ગ્લોબલ ગોલકિપર એવોર્ડ’ પ્રદાન કરવામાં આવશે. ફાઉન્ડેશનના અનુસાર, આ પુરસ્કારનો ઉદ્દેશ એવા રાજકીય નેતાને ખાસ સન્મન પ્રદાન કરવાનો છે, જેમણે પોતાના દેશમાં કે વિશ્વસ્તર પર પ્રભાવશાળી કાર્યોનાં માધ્યમથી ગ્લોબલ ગોલ્સ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ ૨ ઓક્ટોબર, ૨૦૧૪થી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના નેતૃત્વ માટે તેમને સન્માનિત કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ મહાત્મા ગાંધીને તેમની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ તરીકે દેશમાં સાર્વભૌમ સ્વચ્છતા કવરેજ પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં વેગ લાવવાનો છે. ૨ ઓક્ટોબર, ૨૦૧૯ સુધીમાં ખુલ્લામાં શૌચથી લોકોને અટકાવવા માટે અત્યાર સુધીમાં ૯ કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે.
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ૨૪ સપ્ટેમ્બરે ચોથા વાર્ષિક ગોલકિપર્સ ગ્લોબલ ગોલ્સ એવોર્ડ્સનું આયોજન કરશે. ફાઉન્ડેશને કહ્યું હતું, ‘અમે મોદીને ભારતમાં ૫૦ કરોડથી વધુ લોકોને સ્વચ્છતા પ્રદાન કરવા માટે પોતાના વાર્ષિક ગ્લોબલ ગોલ્સ પુરસ્કાર પ્રદાન કરીશું.’