‘વન-એન્ડ-ઓન્લી’ રાકેશ ઝુનઝુનવાલાને મળ્યા પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં કોર્પોરેટ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ અને ઈન્વેસ્ટરોને મળ્યા છે. પરંતુ મોદીએ ગઈ કાલે એમના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરીને અને તેની કેપ્શનમાં લખેલા લખાણને કારણે એક ઈન્વેસ્ટરે સૌની આંખો પહોળી કરી દીધી છે. આ ઈન્વેસ્ટર છે રાકેશ ઝુનઝુનવાલા. ફોર્બ્સની યાદી અનુસાર, 2021ના ઓક્ટોબરમાં રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ રૂ. 570 કરોડ છે. એમણે સાબિત કરી આપ્યું છે કે કોઈ વ્યક્તિના કપડાં એની ઓળખ નથી કરતાં અને દુનિયામાં કોઈ પણ શક્તિશાળી કે વગદાર વ્યક્તિને મળવા માટે આત્મવિશ્વાસ સૌથી વધારે મહત્ત્વનો હોય છે. ગઈ કાલે સાંજે ઝુનઝુનવાલા અને એમના પત્ની રેખા વડા પ્રધાન મોદીને એમના મળવા ગયાં હતાં. વડા પ્રધાને તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, ‘સૌથી નોખાં એવા રાકેશ ઝુનઝુનવાલાને મળીને આનંદ થયો… જીવંત, બુદ્ધિમાન છે અને ભારતની આર્થિક પ્રગતિ માટે ખૂબ જ આશાવાદી છે.’ સોશિયલ મિડિયા પર વાઈરલ થયેલી એક અન્ય તસવીરમાં, રાકેશ ઝુનઝુનવાલા ખુરશી પર બેઠા છે અને પીએમ મોદી એમની સામે ઊભા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઝુનઝુનવાલાની ઉંમર 61 વર્ષ છે જ્યારે પીએમ મોદી 71 વર્ષના છે.

ઝુનઝુનવાલા એક ધુરંધર શેરમાર્કેટ ઈન્વેસ્ટર છે. એમને ભારતના વોરેન બફેટ કે બિગ બુલ તરીકે ઓળખવામાં આવે છે. એમની શેર ટિપ્સ પર લોકો ખૂબ ધ્યાન આપતાં હોય છે. હારુન ઈન્ડિયા સંસ્થાની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં રાકેશ ઝુનઝુનવાલા અને એમના પરિવારની સંપત્તિ રૂ. 22,300 કરોડની દર્શાવાઈ છે. દેશમાં અનેક કંપનીઓમાં એમનો હિસ્સો છે. તેઓ એક એરલાઈન પણ શરૂ કરવાના છે એવો અહેવાલ છે. ઝુનઝુનવાલા હંગામા મીડિયા અને એપટેકના ચેરમેન છે. કોન્કોર્ડ બાયોટેક, પ્રોવોગ ઈન્ડિયા, વાઈસરોય હોટેલ્સ જેવી અનેક કંપનીઓમાં ડાયરેક્ટર છે.