‘2022નું નોબેલ શાંતિ-પારિતોષિક વડાપ્રધાન મોદીને મળવું જોઈએ’

કોલકાતા તા.29 એપ્રિલ, 2022: ‘દેશમાં ચાલી રહેલી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ હેઠળ દેશના ગરીબ લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ભારતના ૮૦ કરોડ લોકોને સરકાર તરફથી સતત સહાય થઈ છે, માનવતાનું આ સૌથી વિરાટ કાર્ય થયું ગણાય. આને કારણે ભારતીય પ્રજા તાજેતરમાં ચીન અને અન્ય દેશોમાં જોવા મળી રહેલી અરાજકતાથી મુક્ત રહી છે. ભારતમાં બેથી અધિક વર્ષ દરમિયાન ૮૦ કરોડ લોકોને વિનામૂલ્ય અનાજ પૂરું પાડવામાં આવ્યું છે, એ માટે એક ભારતીય તરીકે આપણે ગર્વ લેવો જોઈએ,’ એમ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું હતું.

આઈઆઈએમ-કોલકાતાના પદવીદાન સમારંભને સંબોધતાં ચૌહાણે કહ્યું કે સરકાર તરફથી પ્રજા માટે આ સાચી સામાજિક સુરક્ષા ગણાય, જેમાં ધર્મ, જાતિ, વંશ, ભાષા અને અન્ય કોઈ પણ કારણસર આપણને કોઈ વિભાજિત કરી શકતું નથી.

2020ના નોબેલ પ્રાઈઝ વિજેતા, યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ 11.55 કરોડ લોકોની સહાય કરવામાં આવી હતી, તેના 14 ટકા લોકોને ભારત દ્વારા 2020, 2021માં અને 2022માં સહાય પૂરી પાડવામાં આવી હતી. અતિ સંવેદનશીલ સંજોગોમાં આ સરાહનીય કાર્ય માટે નોબેલ પીસ પ્રાઈઝ કમિટીએ 2022ના નોબેલ પીસ પ્રાઈઝ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની અને ભારત સરકારની વિચારણા કરવી જોઈએ, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

દેશની 140 કરોડ વસતિ માટે રસીકરણ ઝુંબેશ સ્વયંચાલિત અને નિઃશુલ્ક ચલાવવામાં આવી રહી છે એ પણ કંઈ નાની સરખી સિદ્ધિ નથી. એપ્રિલ 2021માં કોઈને કલ્પના પણ નહોતી કે આ શક્ય બનશે, એમ ચૌહાણે ઉમેર્યુ હતું.