વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો ભવ્ય રહ્યો; દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા આરતી પણ કરી

વારાણસી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રસિદ્ધ યાત્રાધામ વારાણસીમાંથી ફરી ચૂંટાવા માટે આજે રોડ શો કર્યો હતો, જે ભવ્ય બની રહ્યો. રોડ શોનો આરંભ બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયૂ) કેમ્પસ ગેટથી કરાયો હતો અને તે દશાશ્વમેધ ઘાટ સુધીનો હતો. આ રોડ શો લગભગ સાત કિલોમીટરના અંતરનો હતો. વડા પ્રધાન મોદીનો કાફલો મોડી સાંજે લગભગ 7.30 વાગ્યે દશાશ્વમેધ ઘાટ ખાતે પહોંચ્યો હતો, જ્યાં મોદી ગંગા આરતીમાં પણ સામેલ થયા હતા અને ગંગામૈયાની પૂજા કરી હતી.

મોદીની ઝલક જોવા માટે અને એમની રેલીમાં સામેલ થવા માટે પ્રચંડ જનમેદની જોવા મળી હતી. મોદી સાથેનો કાફલો અત્યંત ધીમી ગતિએ આગળ વધતો રહ્યો હતો. રસ્તાની બંને તરફ લોકોની ચિક્કાર ગીરદી હતી. સૌ તરફ હાથ હલાવીને મોદી એમનું અભિવાદન કરતા હતા.

લોકો ‘મોદી-મોદી’, ‘ચૌકીદાર ઝિંદાબાદ’, ‘ભારત માતા કી જય’ નારા લગાવતા હતા અને મોદી પર ફૂલોનો વરસાદ વરસાવતા હતા.

રોડ શોના આરંભે મોદીએ બીએચયૂના સ્થાપક પંડિત મદન મોહન માલવીયાની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. ત્યારબાદ એમનો કાફલો રોડ શો માટે રવાના થયો હતો. કાશીનગરીની શેરીઓ, માર્ગો મોદીના હજારો પ્રશંસકોથી પેક્ડ થઈ ગયેલી જોવા મળી હતી. જેઓ મોદીને નિહાળવા માટે રસ્તા પર કલાકો અગાઉથી ઊભા રહી ગયા હતા. ઘણા લોકો મોદી એમની બાજુમાંથી પસાર થયા ત્યારે પોતપોતાના મોબાઈલ ફોનના કેમેરાથી તસવીરો ઝડપતા હતા.

મોદીના રોડ શોનાં રૂટ પર તમામ મકાનો અને હોટેલ્સની અગાશી પર લોકોનાં ટોળાં જોવા મળ્યા હતા.

દશાશ્વમેધ ઘાટ ખાતે ભાજપપ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ ભાજપ એકમના પ્રમુખ મહેન્દ્રનાથ પાંડે ઉપસ્થિત હતા. એમણે મોદી આવી પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત કર્યું હતું.

મોદી હવે આવતીકાલે સવારે પોતાનું ચૂંટણી ઉમેદવારીપત્ર સુપરત કરશે.

મોદીએ 2014ની લોકસભા ચૂંટણી વારાણસીમાંથી જીતી હતી. ત્યારે એમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાયને પરાજય આપ્યો હતો.

કોંગ્રેસ પાર્ટીએ વારાણસીમાં આ વખતની ચૂંટણી માટે પણ અજય રાયને જ પોતાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.

આ વખતની ચૂંટણીમાં વારાણસીમાં 19 મેએ મતદાન થવાનું છે.