PM મોદીએ દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના ખાતમાની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ દેશમાં શરૂ થયું છે. વડા પ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યથી બટન દબાવીને આ રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે રસીકરણ શરૂ થયા પછી પણ લોકોને બે ગજની દૂરી અને માસ્ક છે જરૂરી –જેવી સાવધાની રાખવાની સલાહ આપી હતી. આજે દરેક કોરોના રસીકરણ સેન્ટર પર 100 જણને લગાવવામાં આવશે. આજે કુલ ત્રણ લાખ લોકોને રસી લગાવવામાં આવશે. વડા પ્રધાને કહ્યું હતું કે પહેલા તબક્કામાં ત્રણ કરોડ લોકોને રસી લગાવવામાં આવશે. બીજા તબક્કામાં અમે એને 30 કરોડની સંખ્યા સુધી લઈ જઈશું. જે સિનિયર સિટિઝન છે, જે ગંભીર બીમારી ગ્રસ્ત છે. તેમને બીજા તબક્કામાં રસી લાગશે.  પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવામાં આવશે. બીજા ડોઝ લગાવ્યાના બે સપ્તાહ પછી શરીરમાં કોરોના વિરુદ્ધ જરૂરી શક્તિ વિકસિત થશે. જેને સૌથી વધુ જરૂર છે. એમને પહેલા કોરોનાની રસી લાગશે.

પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ  અને અગ્ર હરોળના કર્મચારીઓને આ રસી લગાવવામાં આવશે. આ ઝુંબેશ દેશભરમાં શરૂ થઈ ગઈ છે. દેશમાં 3000થી વધુ કેન્દ્રોમાં લોકોને આ રસીનો પહેલો ડોઝ લગાવવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું હતું કે વિદેશમાં કેટલીક રસી એવી છે, જેના એક ડોઝની કિંમત રૂ. 5000 સુધી છે અને એને (-) 70 ડિગ્રી તાપમાનમાં ફ્રીઝમાં રાખવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે દરેક હિન્દુસ્તાનીને ગર્વ છે કે વિશ્વમાં આશરે 60 ટકા બાળકોને જે પણ જીવનરક્ષક રસી લાગે એ ભારતમાં જ બને છે. ભારતની સખત વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં પસાર થાય છે.