PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી નીતીશકુમાર, વિદેશપ્રધાન એસ. જયશંકર સહિત 17 દેશોના એમ્બેસેડર હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના ઉદઘાટનની સાથે બિહારને એની ગુમાવેલી વિરાસત ફરથી મળી છે. યુનિવર્સિટી નાલંદાના પ્રાચીન ખંડેરોની પાસે સ્થિત છે.

વડા પ્રધાન મોદીએ આજના દિવસને શિક્ષણ ક્ષેત્ર માટે બહુ ખાસ બતાવ્યો છે. તેમણે  કહ્યું હતું કે  મને વડા પ્રધાનના શપથ લીધાના 10 દિવસની અંદર નાલંદા આવવાની તક મળી છે. નાલંદા જ જ નહીં, એક નામ છે, એક ઓળખ છે, એક સન્માન છે. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે. આગ પુસ્તકોને બાળી શકે છે, પણ જ્ઞાનને નષ્ટ નથી કરી શકતી.

આ અગાઉ સવારે નાલંદા યુનિવર્સિટી પહોંચીને વડા પ્રધાન મોદીએ સૌપ્રથમ યુનિવર્સિટીની જૂની વિરાસતને નજીકથી નિહાળી હતી. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષ વાવ્યું અને પછી નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું.

વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના ખંડેરો (અવશેષો)ને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.  ત્યાર બાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાનાં પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ,  2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપિન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.

નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડમિક બ્લોક છે, જેમાં 40 ક્લાસરૂમ છે. અહીં કુલ 1900 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે, જેમાં 300 બેઠકો છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 200 લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાઇકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમ જ ઘણી સુવિધાઓ છે, જે પર્યાવરણને અનુકૂળ છે.