નવી દિલ્હી- લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ વાળી મોદી સરકાર ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ (પીએમ કિસાન)ને ટ્રમ્પકાર્ડ માનીને પોતાની પીઠ થપથપાવી રહી છે. પરંતુ સરકારના દાવા કરતા વાસ્તવિકતા કંઈક જૂદી જ છે. સરકારનો દાવો છે કે તેમણે માર્ચ મહિનામાં જ 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતમાં જમા કરાવી દીધો છે, પરંતુ એક રીપોર્ટ પ્રમાણે, નાણાં ખાતામાં નાખવામાં આવ્યાં પરંતુ 24 કલાકની અંદર મોટાભાગના ખાતાંઓમાંથી આ નાણાં કાઢી પણ લેવામાં આવ્યાં.
ધ વાયરે રાષ્ટ્રીયકૃત બેંકોને આ મામલે માહિતોનો અધિકાર (આરટીઆઈ) મારફતે જાણકારી માગી હતી, જેમાં બેંકોએ સ્વીકાર્યુ કે, ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરાવ્યા બાદ એ રકમને પરત ખેચી લેવામાં આવી છે. 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરુઆત ગોરખપુરથી કરી હતી.
ધ વાયરના અનુસાર 19 રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સિન્ડિકેટ બેંક, યૂકો બેંક, કેનરા બેંકએ સ્વીકાર્યુ કે, તેમના દ્વારા ખેડૂતોના ખાતાઓમાં હપ્તો જમા કરાવ્યો હતો પરંતુ આ રકમ તેમણે પરત પણ લઈ લીધી હતી. આ પાછળના કારણને લઈને બેંકોના પોતપોતાના તર્ક પણ છે.
વાસ્તવમાં ફેબ્રુઆરીમાં પીએમ કિસાન યોજનાની જાહેરાત બાદ ધ હિન્દૂ બિઝનેસલાઈને એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોના ખાતામાં પહેલા 2000 રૂપિયા જમા કરવામાં આવ્યા અને 24 કલાકની અંદરમાં આ રૂપિયાને પરત ખેંચી લેવામાં આવ્યાં. બિઝનેસલાઈને મહારાષ્ટ્રના ખેડૂત અશોક લહામાગેના હવાલેથી જણાવ્યું હતું કે, તેમના ખાતમાં પહેલા પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ હપ્તાના 2000 રૂપિયા જમા થયા હતા ત્યાર બાદ બેંક દ્વારા નાણાંને પરત ખેંચી લેવામાં આવ્યાં હતાં. જ્યારે લહામાગે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે સંપૂર્ણ પાત્ર હતાં.
આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, નાંદેડ જિલ્લામાં અંદાજે 1000થી વધુ ખેડૂતોના ખાતામાંથી નાણાં પરત ખેચી લેવામાં આવ્યાં હતાં. લહામાગેએ જણાવ્યું કે, 24 ફેબ્રુઆરી 2019થી હું એ જાણકારી મેળવવામાં કામે લાગ્યો છું કે, કયાં કારણોસર નાણાં પરત લેવામાં આવ્યાં. એસબીઆઈ બેંક નાસિક શાખાના કર્મચારીએ મને મુંબઈ હેટઓફિસે મેલ કરવા કહ્યું હતું. પરંતુ આજદીન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી. આવી ફરિયાદો માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી.
6 માર્ચના રોજ નેશનલ હેરાલ્ડમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના મોટાભાગના ખેડૂતોના ખાતામાંથી નાણાં પરત લેવામાં આવ્યાં હતાં. જોનપુરના 3000થી વધુ ખેડૂતોના ખાતાઓમાંથી નાણાં પરત લેવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ કહ્યું કે નાણાં પરત લેવામાં આવ્યા પરંતુ તેનું યોગ્ય કારણ રજૂ કરવામાં નથી આવી રહ્યું.