બધા જાણે છે કે રાહુલ ગાંધીનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છેઃ પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ભારતીય નાગરિકત્વ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલી નોટિસ સામે રાહુલનાં બહેન અને કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ઉગ્ર રીતે પ્રત્યાઘાત આપ્યાં છે અને કહ્યું કે, ‘ક્યા બકવાસ હૈ યે?’

રાહુલ ગાંધીને એમના ભારતીય નાગરિકત્વ મુદ્દે ગૃહ મંત્રાલયે નોટિસ ઈસ્યૂ કરતાં પ્રિયંકા એમનાં ભાઈનાં બચાવમાં આગળ આવ્યાં છે અને કહ્યું કે આમાં વિવાદનો પ્રશ્ન જ નથી.

પ્રિયંકાએ કહ્યું કે લોકોને બધી ખબર છે કે રાહુલનો જન્મ ભારતમાં જ થયો છે અને એમનો ઉછેર પણ ભારતમાં થયો છે. આ વિશેની શંકા કે આક્ષેપો નર્યો બકવાસ છે. આખો દેશ જાણે છે કે રાહુલ ભારતીય નાગરિક છે.

રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયની નોટિસઃ બે સપ્તાહમાં જવાબ આપવા કહ્યું

દેશમાં હાલ જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જોર-શોરથી ચાલી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીની નાગરિકતાનો મામલો ગરમાયો છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતાને લઇને ગૃહ મંત્રાલય તરફથી નોટીસ પાઠવવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે બ્રિટિશ નાગરિકતાને લઇને કરવામાં આવેલી ફરિયાદ પર તમારો જવાબ રજૂ કરવા જણાવાયું છે. રાહુલ ગાંધીને જવાબ રજૂ કરવા માટે 15 દિવસ આપવામાં આવ્યાં છે.

ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધી પાસે 15 દિવસની અંદર જવાબ માંગ્યો છે. ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કરેલી ફરિયાદ બાદ રાહુલ ગાંધીને નોટીસ મોકલવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે, રાહુલ ગાંધી 2003માં યુકેમાં રજીસ્ટર્ડ બ્રિટિશ કંપનીના ડાયરેક્ટર અને સેક્રેટરી પણ છે. સ્વામીએ કરેલી ફરિયાદમાં કહેવાયુ છે કે, વર્ષ 2005 અને 2006માં કંપની દ્વારા ફાઈલ કરાયેલા વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19 જૂન 1970 દર્શાવવામાં આવી છે. અને નાગરિકતા પણ બ્રિટિશ દર્શાવવામાં આવી છે.

રાહુલની નાગરિકતા મામલે સુબ્રમણ્યમ સ્વામીના આરોપ

રાહુલ ગાંધી બ્રિટિશર છે કે ભારતીય? એમની નાગરિકતા મામલે ભાજપના સિનિયર નેતા અને સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામી સતત સવાલો ઉઠાવતા રહ્યા છે.

પરંતુ કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ભારતીય છે.

ચાર વર્ષ પહેલાં, 2015માં પણ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહુલનાં નાગરિકત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે એવી માગણી કરી હતી કે રાહુલ બ્રિટિશ નાગરિક છે એટલે એમનું નાગરિકત્વ અને સંસદસભ્ય પદ રદ કરવું જોઈએ. એમણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટિશન પણ નોંધાવી હતી, પણ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે એવી માગણીને ફગાવી દીધી હતી.

2016ના જાન્યુઆરીમાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો. એ વખતે ભાજપના નેતા મહેશ ગિરીએ લોકસભા સ્પિકરને પત્ર લખીને રાહુલના નાગરિકત્વ બાબતે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. ત્યારબાદ એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી હતી અને પૂરી તપાસ કરવામાં આવી હતી. એ સમિતિ સમક્ષ રાહુલે જવાબ આપવા પડ્યા હતા. એ વખતે રાહુલે કહ્યું હતું કે મારી છાપ બગાડવાનો આ પ્રયાસ છે. મેં ક્યારેય બ્રિટિશ નાગરિકત્વ માગ્યું નથી અને સ્વીકાર્યું પણ નથી.

2017ના સપ્ટેંબરમાં આ મુદ્દો ફરી ચગ્યો હતો. એ વખતે સ્વામીએ જ ટ્વીટ કરીને ઉહાપોહ મચાવ્યો હતો. એમણે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખ્યો હતો.

શું છે સુબ્રમણ્યમ સ્વામીનો તર્ક?

સ્વામીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કહ્યું છે કે 2003માં યૂકેમાં રજિસ્ટર્ડ કરાયેલી Backops Limited કંપનીમાં રાહુલ ગાંધી ડાયરેક્ટર અને સેક્રેટરી પણ છે. ફરિયાદમાં જણાવાયું છે કે 2005 અને 2006માં કંપનીએ ફાઈલ કરેલા વાર્ષિક ઈન્કમ ટેક્સ રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19-6-1970 બતાવવામાં આવી છે અને એમનું નાગરિકત્વ પણ બ્રિટિશ હોવાનું ઘોષિત કરવામાં આવેલું છે.

કાયદો શું કહે છે?

ભારતીય કાયદાનુસાર, કોઈ પણ નાગરિક માત્ર એક જ નાગરિકત્વ રાખી શકે. જો તે ભારતીય નાગરિક છે તો એ અન્ય કોઈ પણ દેશનું નાગરિકત્વ રાખી શકે નહીં. ભારતમાં બે નાગરિકત્વને માન્યતા નથી. એટલે જ કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં સંસદસભ્ય બની શકે નથી.

સ્વામી અચાનક સોનિયા ગાંધીનાં વિરોધી કેમ થઈ ગયા?

રાજીવ ગાંધી અને સુબ્રમણ્યમ સ્વામી ગાઢ મિત્રો હતા. સંસદમાં બંને જણ અવારનવાર સાથે જ જોવા મળતાં. બોફોર્સ તોપ કૌભાંડ ચગ્યું હતું ત્યારે સ્વામીએ જ રાજીવનો જોરદાર રીતે બચાવ કર્યો હતો.

પરંતુ, આજે એ જ સ્વામી એમનાં મિત્રનાં વિધવા માટે માથાનો દુખાવો બની ગયા છે. ગાંધી પરિવાર વિરુદ્ધ એમણે જોરદાર જંગ આદર્યો છે અને એ વન-મેન આર્મી છે.

કહેવાય છે કે અમુક એવી ઘટનાઓ બની હતી કે એનાથી સ્વામીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી એટલું જ નહીં, પણ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર બળવો પોકાર્યો હતો.

રાજીવની જેમ સ્વામી સોનિયાનાં પણ હિતેચ્છુ હતા. કહેવાય છે કે સોનિયા ગાંધીનાં ભૂતકાળ વિશેની અમુક કથિત વાતો જાણ્યા બાદ સ્વામીએ ગાંધી પરિવારથી અંતર કરવા માંડ્યું હતું.

રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી રાજકારણમાં પ્રવેશ્યાં ત્યારથી સ્વામી સોનિયા ગાંધીની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યાં હતાં.

સ્વામી હિન્દુત્વવાદી અને સમાજવાદ-વિરોધી વિચારસરણીવાળા ગણાય છે. અમુક આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી સંસ્થાઓ સાથે સોનિયાની નિકટતાથી સ્વામી એમનાં વિરોધી બની ગયા હતા.

અહેવાલો અનુસાર, એ જ સ્વામીએ બાદમાં સોનિયાને કાનૂની આંટીઘૂંટીમાં લાવીને ભારતનાં વડાં પ્રધાન બનવાનાં સોનિયાનાં સપનાંને સફળ થવા દીધું નહોતું.