ઈલેક્ટ્રિક વાહનોની ખાસ ઓળખ બનશે લીલા રંગની નંબર પ્લેટ

નવી દિલ્હી- ઈલેક્ટ્રિક કાર સુવિધા આપવાની તૈયારી ચાલી રહી છે. ઈલેક્ટ્રિક કાર પર પાર્કિંગ અને ટોલમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક વાહનોની અલગ ઓળખ માટે તેમના પર લીલા રંગની નંબર પ્લેટ લગાવવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારે રાજ્ય પરિવહન વિભાગોને આ અંગે નિર્દેશ જાહેર કરી દીધા છે. તેમણે કહ્યું છે કે, બેટરીથી ચાલતા તમામ વાહનોમાં તાત્કાલિક ધોરણે લીલા રંગની નંબર પ્લેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

ઓગસ્ટ 2018માં માર્ગ પરિવહન મંત્રાલયે બેટરીથી ચાલતા તમામ વાહનો માટે નવી નંબર પ્લેટ રજૂ કરી હતી. વાહનોથી થતાં પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટે સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. રાજ્યોને કરેલા નિર્દેશ પરથી કહી શકાય કે, કેન્દ્ર સરકાર વાહનોથી થતાં પ્રદૂષણને લઈને ગંભીર છે. સાથે જ સરકાર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ વધારવા ઈચ્છે છે.

સરકારે બેટરી ઓપરેટેડ વાહનો માટે પરમિટની જરૂરીયાતને ખત્મ કરી દીધી છે. કેન્દ્રના નિર્દેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો ઈલેક્ટ્રિક વ્હીકલ તરીકે રજિસ્ટર થનારા તમામ વાહનોની નંબર પ્લેટ લીલા રંગની હોવી જોઈએ.

કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર એવા વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માગે છે. આ પ્રકારના વાહનોના પાર્કિંગ અને ટોલમાં છૂટ આપી શકાય છે. આ પ્રકારના વાહનોની અલગ ઓળખ હોવાને કારણે તેમને વિશેષ લાભ આપવામાં સરળતા રહેશે.