નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં દિલ્હીના હદ વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને ત્યાંથી તાત્કાલિક હટાવવાની માગણી કરતી એક જનહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં નોંધાવવામાં આવી છે. આ કિસાનો સરકારે તાજેતરમાં પાસ કરી દીધેલા કાયદાઓને પાછા ખેંચવામાં આવે એવી માગણી સાથે દિલ્હી-એનસીઆરના સીમાવિસ્તારમાં વિરોધ-દેખાવો કરી રહ્યા છે.
આ પીટિશન ઓમ પ્રકાશ પરિહર નામના એક એડવોકેટે નોંધાવી છે. એમણે તેમાં જણાવ્યું છે કે કિસાનોને ત્યાંથી હટાવવા જરૂરી છે, કારણ કે એમના દેખાવો તાકીદની તબીબી સેવાઓ પહોંચાડવામાં અવરોધ ઊભો કરે છે. કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે આ તબીબી સેવાઓ દર્દીઓ સુધી પહોંચાડવી જરૂરી છે.
પીટિશનમાં માગણી કરવામાં આવી છે કે દેખાવકારોને કોઈ અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવે અને દિલ્હીની સરહદોને ફરી ખુલ્લી કરવામાં આવે. વિરોધ કરતા જૂથોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન કરાવવું જ જોઈએ.
