નવી દિલ્હી – સંસદના બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલા ભાષણ બદલ એમનો આભાર માનતા કરેલા સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસની એમની આગવી શૈલીમાં, તીખા તમતમતાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
લોકસભામાં ભાજપની આગેવાની હેઠળના એનડીએની સ્પષ્ટ બહુમતી છે. આજે વડા પ્રધાન મોદી પ્રત્યુત્તર આપવાના હતા એટલે પક્ષના તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ કોવિંદે ગઈ 31 જાન્યુઆરીએ બજેટ સત્રના આરંભે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું અને મોદી સરકારની સિદ્ધિઓને બિરદાવી હતી. એ બદલ એમનો આભાર વ્યક્ત કરવા માટે વડા પ્રધાન મોદીએ આજે લોકસભામાં પ્રત્યુત્તર આપ્યો હતો.
મોદીના ભાષણનાં મુખ્ય અંશ આ મુજબ છેઃ
– દેશમાં બેરોજગારી પ્રવર્તે છે એવા કોંગ્રેસના દાવામાં કોઈ વજૂદ નથી. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તો સૌથી વધુ નોકરીઓ આપવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં દેશમાં 6 લાખથી વધુ નવા પ્રોફેશનલ્સ થયા છે.
– દેશના અર્થતંત્રમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ઘણો સુધારો આવ્યો છે. આપણે ત્યાં કહેવત છેઃ ઉલટા ચોર, ચોકીદાર કો ડાંટે.
– જે લોકો કહે છે કે અમારી સરકાર ધનવાનોની છે, તો હું કહું છું કે દેશના ગરીબ જ મારા ધનવાન છે. ગરીબ મારું ઈમાન છે, એ જ મારી જિંદગી છે.
– અમે જ્યારે સત્તા સંભાળી હતી ત્યારે 99 કૃષિ યોજનાઓ ખોરંભે ચડી હતી અને હવે અમે એને પૂરી કરી રહ્યા છીએ.
– અમારી સરકારે નાગરિકોનું આરોગ્ય સારું રહે, એમની સુખાકારી માટેનાં પગલાં લીધાં છે. સ્ટેન્ટ્સ, ઘૂંટણની સર્જરીઓ તથા દવાઓનાં ભાવ ઘટી ગયા છે.
– સાડા ચાર વર્ષની મુદતમાં અમારી સરકારે દેશભરમાં 10 કરોડ જાહેર શૌચાલયો બનાવ્યા છે.
– દેશને લૂંટવાવાળાઓને તમે (કોંગ્રેસે) લૂંટવા દીધા અને અમે કાનૂન બનાવીને એ પૈસા પાછા લાવી રહ્યા છીએ.
– જે લોકોએ આપણા દેશને લૂંટ્યો છે એ લોકોએ મારાથી ગભરાતા રહેવું પડશે
– કોંગ્રેસ પાર્ટી આરોપ મૂકે છે કે મોદીએ દેશની સંસ્થાઓને બરબાદ કરી છે. હકીકત એ છે કે કોંગ્રેસે દેશમાં કટોકટી લાદી હતી. ઈન્દિરા ગાંધીએ દેશમાં 50 વખત રાજ્યોની ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતી.
– મોદી તરફ આંગળી ચીંધતી વખતે યાદ રાખવું કે બાકીની ચાર આંગળી તમારી તરફ જ હોય છે.
– કોંગ્રેસશાસિત 55 વર્ષમાં 12 કરોડ ગેસ કનેક્શન અપાયા હતા, જ્યારે મારા શાસનના 55 મહિનામાં 13 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
– તમે (કોંગ્રેસે) લશ્કરી વડાને ગુંડા કહ્યા, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા, પણ કોંગ્રેસે 50 વખત ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતી.
– 55 વર્ષ દરમિયાન દેશનો 40 ટકા ભાગ સ્વચ્છતાના દાયરા હેઠળ હતો, મારા શાસનના 55 મહિનામાં 98 ટકા હિસ્સો સ્વચ્છતાના દાયરા હેઠળ આવ્યો છે.
– અમારી એનડીએ સરકારની ઓળખ છે ઈમાનદારી. આ ઓળખ એણે ભ્રષ્ટાચાર સામે એણે કરેલી કાર્યવાહી માટે મળી છે.
– મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું વિસર્જન કરવાની ભલામણ કરી હતી. એટલે ‘કોંગ્રેસ-મુક્ત ભારત’ નારો મારો નથી, હું તો માત્ર ગાંધીજીની ઈચ્છા પૂરી જ કરી રહ્યો છું.
– ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે કોંગ્રેસમાં જોડાવું એ આત્મહત્યા કરવા બરોબર છે.
– નોટબંધીને કારણે ત્રણ લાખ જેટલી ઠગ કંપનીઓ બંધ થઈ ગઈ.
– આગામી ચૂંટણી માટે હું રાજકીય પક્ષોને તંદુરસ્ત સ્પર્ધા માટેનું આમંત્રણ આપું છું.
– આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નવા રજિસ્ટર થયેલા મતદારોનું હું સ્વાગત કરું છું.
– કોંગ્રેસના રાજમાં સંરક્ષણને લગતા દરેક સોદામાં વચેટિયો રહેતો. દરેક સોદામાં દલાલી લેવાતી હતી.
– યુપીએના ફોન બેન્કિંગને કારણે એમના નેતાઓના મિત્રોને મજા પડી ગઈ હતી. એને પરિણામે જ આપણી બેન્કિંગ પદ્ધતિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
– 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં એક બાજુ આપણા ખેલાડીઓ દેશ માટે મેડલ જીતવા સખત મહેનત કરતા હતા ત્યારે બીજી બાજુ આ લોકો (કોંગ્રેસીઓ) પોતાને માટે સંપત્તિ એકઠી કરવામાં મશગુલ હતા.