મમતાના ધરણામાં શામેલ 5 ઓફિસરો પર કાર્યવાહી શરુ, મેડલ પણ પરત લેવાઈ શકે

નવી દિલ્હી- ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ધરણામાં શામેલ 5 પોલીસ ઓફિસરો સામે કાર્યવાહી શરુ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર કોલકાત્તાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત આ તમામ ઓફિસરોના મેડલ પણ પરત લેવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓ સામે અન્ય કાર્યવાહી પણ શરુ કરવામાં આવી રહી છે, જેમાં કેન્દ્ર દોષિત અધિકારીઓના નામ એમ્પેનલ્ડ લિસ્ટમાંથી પણ કાઢી શકે છે, આ ઉપરાંત એક નિશ્ચિત સમય સુધી તેમની કેન્દ્રીય સેવામાં આવવા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.

તમને જણાવી દઈએ કે, સારદા ચિટ ફંડ કૌભાંડ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે ગત રવિવારે કોલકાત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘર પર દરોડા પાડવાની કોશિશ કરી હતી, એ સમયે પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સીબીઆઈની ટીમને કોલકાત્તા પોલીસે બહાર જ રોકી લીધી હતી. આ દરમિયાન કોલકાત્તા પોલીસે સીબીઆઈના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી. આ મામલાની જાણ જ્યારે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને થઈ ત્યારે તે તાત્કાલિક રાજીવ કુમારના ઘરે પહોંચીને તેમના પક્ષમાં ખુલીને મેદાનમાં આવ્યા હતાં.

મમતા બેનર્જી કોલકાત્તાના મેટ્રો ચેનલ વિસ્તારમાં ધરણા પર બેઠી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. ગત રવિવારથી શરુ થયેલા મમતાના ધરણા મંગળવારે પૂર્ણ થયાં હતાં. પરંતુ મમતાએ મોદી સરકારનો ખાત્મો ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની કસમ ખાધી હતી. મમતાને આ દરમિયાન વિપક્ષી દળોનું જોરદાર સમર્થન પ્રાપ્ત થયું. આ ઘટના બાદ રાજીવ કુમાર ચર્ચામાં રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]