નવી દિલ્હીઃ દેશનાં 485 શહેરોમાંથી 46 શહેરના લોકો જ સ્વચ્છ પાણી પી રહ્યા છે. શહેરોમાંથી લેવામાં આવેલાં 25,000 સેમ્પલ ચેક કર્યા બાદ એ માલૂમ પડ્યું છે કે માત્ર 10 ટકા શહેરોનાં સેમ્પલ જ 100 ટકાની સાથે પાસ થયાં છે. સેમ્પલ અને 5.2 લાખ લોકોથી વાત કરવાને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, એમ કેન્દ્રીય શહેરી અને આવાસ મંત્રાલયના સેક્રેટરી મનોજ જોશીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પાંચ માર્ચે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પેય જળ સર્વેક્ષણ એવોર્ડ એનાયત કરશે. સપ્ટેમ્બર, 2022થી નવેમ્બર, 2023 દરમ્યાન કરવામાં આવેલા સર્વે માટે એ 485 શહેરો અને નગર નિગમોને પસંદ કરવામાં આવ્યાં હતા, જ્યાં વસતિ એક લાખથી વધુની છે. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 95 ટકાથી 100 ટકા શહેરોમાં લોકોને ટેપ વોટર એટલે કે નળથી પાણીની સુવિધા મળી રહી છે. મંત્રાલયે દરેક શહેરમાં કમસે કમ એક મ્યુનિસિપલ વોર્ડમાં 24 કલાક પાણીની સુવિધાનું લક્ષ્ય રાખ્યું હતું અને પુરી, નવી મુંબઈ, કોઇમ્બતુર, પુણે, નાગપુર અને સુરત જેવાં શહેરોના કેટલાક વોર્ડોના લોકોને 24 કલાક પાણીની સુવિધા આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.
મંત્રાલયે જળ પુરવઠાની ગુણવત્તા, માત્રા અને કવરેજમાં સર્વિસના સ્તરની સુવિધાઓનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ કર્યો હતો. આ સર્વેમાં સિવરેજ અને સેપ્ટેજ મેનેજમેન્ટ, અપશિષ્ટ જળના પુનઃઉપયોગ અને શહેરની અંદર જળ સંસ્થાઓના સંરક્ષણને સામેલ કરવામાં આવી હતી.
