નવી દિલ્હીઃ નહેરુ પરિવાર પર વિવાદિત ટિપ્પણી પછી મોડલ પાયલ રોહતગીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. રવિવારે પોલીસે અટકાયત કર્યાં પછી હવે તેમને 8 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને રાજસ્થાનની બૂંદી કોર્ટે કસ્ટડીમાં મોકલ્યા છે. અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી.
પાયલના ટ્વીટર પર લખવામાં આવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે ગૂગલ પર ઉપસ્થિત જાણકારીને લઈને મોતીલાલ નહેરૂ પર એક વીડિયો બનાવવા માટે મારી ધરપકડ કરી છે, અભિવ્યક્તિની આઝાદી માત્ર મજાક છે. બૂંદીના એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, રાજસ્થાન પોલીસે તેમને ફેસબુક અને ટ્વીટર સહિત મીડિયા હેન્ડલ પર પ્રાપ્ત ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં રાજસ્થાનના બૂંદીમાં લાવવામાં આવ્યા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રોહતગી વિરુદ્ધ પોલીસને 10 ઓક્ટોબર 2019 ના રોજ ફરિયાદ મળી હતી. કોંગ્રેસ કાર્યકર્તા ચર્મેશ શર્માએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રીએ ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી નહેરુ અને તેમના પરિવાર વિરુદ્ધ વિવાદાસ્પદ વિડીયો બનાવીને પોસ્ટ કર્યા છે.
પોલીસની આ કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી પાસે આ મામલે મદદની અપીલ કરી છે. તેમના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વીટ કરતા કહ્યું કે, આ કોંગ્રેસ શાસક રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે? તેમણે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.