મરણની અફવાને પરેશ રાવલે રમૂજી પ્રતિસાદ આપ્યો

મુંબઈઃ બોલિવૂડ ચરિત્ર અભિનેતા પરેશ રાવલ ગૂજરી ગયા છે એવો સોશિયલ મિડિયા પર ફરી રહેલો એક મેસેજ અફવા સાબિત થયો છે. ખુદ રાવલે જ આ અફવાનો રમૂજી રીતે પ્રતિસાદ આપ્યો છે. રાવલે એક ટ્વિટર પેજનો સ્ક્રીનશોટ લઈને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. તે પેજમાં રાવલનો ફોટો બતાવવામાં આવ્યો હતો અને સાથે હિન્દીમાં શોકસંદેશ લખવામાં આવ્યો હતો. એમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ‘ફિલ્મ ઉદ્યોગના એક સભ્ય પરેશ રાવલજીનું 14 મે, 2021ના રોજ સવારે 7 વાગ્યે નિધન થયું છે.’ પરેશ રાવલે તે ટ્વીટના પ્રતિસાદમાં રમૂજ સાથે લખ્યું કે, ‘હું સવારે 7 વાગ્યા પછી પણ સૂતો રહ્યો એમાં ગેરસમજ થઈ ગઈ એ માટે માફ કરજો.’ રાવલના ચાહકો મરણની આ અફવાથી જરાય આશ્ચર્યચકિત થયા નથી. કેટલાકે ગુસ્સો વ્યક્ત કર્યો છે તો કેટલાકે રાવલના દીર્ઘાયૂ માટે પ્રાર્થના કરી છે. રાવલે આ ફેક ન્યૂઝને રમૂજ સાથે કેવી રીતે સંભાળ્યા એ માટે કેટલાક પ્રશંસકોએ મીમ શેર કર્યા છે. આ છે, પરેશ રાવલે આપેલા રમૂજી પ્રતિસાદવાળું ટ્વીટ.

એક પ્રશંસકે લખ્યું છે કે, ‘આ પેજ સામે પગલું ભરવું જોઈએ. આ પ્રકારના જોકને હું સાંખી લેતો નથી. સાહેબ તમે મારા ફેવરિટ કલાકાર છો. આ દિવસ ક્યારેય ન આવે એવી હું પ્રાર્થના કરું છું.’ પરેશ રાવલની નવી ફિલ્મ આવી રહી છે ‘હંગામા 2’, જે 2003માં આવેલી ‘હંગામા’ ફિલ્મની સિક્વલ હશે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, મીઝાન જાફરી અને પ્રણિતા સુભાષની પણ ભૂમિકા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]