પદ્મશ્રી અર્થશાસ્ત્રી ડો. બિબેક દેબરોયનું નિધન

નવી દિલ્હીઃ દેશના જાણીતા પદ્મશ્રી અર્થશાસ્ત્રી અને વડા પ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય અર્થતંત્ર માટે મહત્ત્વનું યોગદાન આપનારા દેબરોયે દેશની આર્થિક નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પોસ્ટ પર દેબરોયનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. PM મોદીએ લખ્યું હતું કે ડો. દેબરોયને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તેમનુ જ્ઞાન અને એકેડેમિક ચર્ચા પ્રત્યેનો જુસ્સો હું હંમેશાં યાદ રાખીશ. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

ડો. બિબેક દેબરોય એક મહાન વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સંસ્કૃતિ, રાજનીતિ, આધ્યાત્મ, અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પારંગત હતા. તેમનાં ઉત્કૃષ્ટ યોગદાને ભારતના બૌદ્ધિક દ્રષ્ટિકોણ પર એક અમિટ છાપ મૂકી છે. તેમના જીવનના ઉદ્દેશો પૈકી એક ઉદ્દેશ જાહેર નીતિમાં યોગદાન ઉપરાંત પ્રાચીન ગ્રંથો પર કામ કરવું અને તેને યુવાનો માટે સરળ બનાવવાનો હતો. દેબરોયે પ્રેસિડન્સી કોલેજ કોલકાતા, ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ, પુણે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્હીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ કાયદાકીય સુધારણા માટે નાણાં મંત્રાલય અને UNDP પ્રોજેક્ટ્સના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.