નવી દિલ્હી: 106 દિવસનો જેલવાસ ભોગવી જામીન પર બહાર આવ્યા બાદ પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે લથડી પડેલી અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર નિશાન તાક્યુ. તેમણે કહ્યું કે, જીડીપી 8 ટકાએથી ઘટીને 4.5 ટકા પર આવી ગઈ છે. શું આ સરકારના અચ્છે દિન છે? તેમણે આગળ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં જીડીપી 5 ટકાએ પહોંચે તો આપણા બધાના નસીબ.
ચિદમ્બરમે કહ્યુ વડાપ્રધાન અર્થવ્યવસ્થાને લઈને ચૂપ કેમ છે? તેમણે આ મામલે ખુલાસા આપવા માટે આને પોતાના મંત્રીઓ પર છોડી દીધું છે. તેમણે કહ્યું કે, જો બિમારીની ઓળખ નહીં થાય તો સારવાર પણ ખોટી થશે. યોગ્ય ઉપચાર માટે દર્દની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.
ચિદમ્બરમે વર્તમાન સરકાર અને પૂર્વમાં કોંગ્રસના નેતૃત્વવાળી સરકાર વચ્ચે સરખામણી કરતા કહ્યું કે, 2004 અને 2014 વચ્ચે યુપીએ સરકારે 14 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા, જેની સામે એનડીએ સરકારે 2016 સુધીમાં લાખો લોકોને ગરીબી રેખા નીચે ધકેલી દીધા. મારું માનવું છે કે, કોંગ્રેસ અને અન્ય કેટલાક દળો અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર કાઢવા અને આર્થિક વિકાસને વેગ આપવામાં માટે લાયક છે પણ એના માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે.
તિહાડ જેલમાંથી જામીન મળ્યા બાદ બહાર આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે સંસદ પહોંચ્યા હતાં. સંસદ પરિસરમાં તેમણે કોંગ્રેસ નેતાઓ સાથે ડુંગળીના ભાવવધારે અંગે પ્રદર્શન કર્યું હતું. ચિદમ્બરમે કહ્યું કે, સરકાર સંસદમાં મારો અવાજ દબાવી નહી શકે. જે સરકાર લોકોને ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેણે જતાં રહેવું જોઈએ. અર્થવ્યવસ્થાના કિસ્સામાં આ સરકાર સંપૂર્ણ રીતે ફેલ થઈ છે.
તો બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા કહ્યું કે, દેશ સંકટમાં છે કારણ કે,વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાની કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યા છે અને તેમનો બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નથી રહ્યો. તેઓ પોતાની દુનિયામાં રહે છે અને કલ્પના કરતા રહે છે એટલા માટે જ દેશ આ રીતે સંકટમાં છે. હકીકતથી લોકોનું ધ્યાન ભટકાવવું એ જ મોદીની શાસન કરવાની રીત છે.