નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન કેજરીવાલનો દબદબો જળવાઈ રહેવાની શક્યતા છે. એક ખાનગી ચેનલના ઓપિનિયન સર્વે મુજબ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 બેઠકો પૈકી 54થી 60 બેઠકો મળવાની ધારણા છે. ત્યાર બાદ ભાજપને 10-14 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસ માંડ બે બેઠકો જીતે એવી શક્યતા છે. જોકે 2015ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 67 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ઓપિનિયન પોલમાં જણાવ્યા મુજબ જો દિલ્હીમાં આજે ફરીથી લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ તમામેતમામ સાત બેઠકો પર જીત હાંસલ કરે એવી સંભાવના છે. જોકે સર્વે અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઘણી મજબૂત સ્થિતિમાં છે અને આ ચૂંટણીમાં એને 54થી 60 બેઠકો મળવાનું અનુમાન છે.
આપને 52 ટકા વોટનું અનુમાન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 52 ટકા મતો મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને 34 ટકા વોટ મળવાની શક્યતા છે. જો સર્વે અનુસાર બેઠકો આપ પાર્ટીની તરફેણમાં આવે તો આપ પાર્ટીને 60 બેઠકો મળે એવી ધારણા છે. જોકે 2015ની ચૂંટણીને મુકાબલે આપનો મતહિસ્સમાં 2.5 ટકાનું નુકસાન થશે, જ્યારે ભાજપને 1.7 ટકા મતોનું નુકસાન થવાની સંભાવના છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી આઠ ફેબ્રુઆરીએ યોજાવાની છે અને ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાનાં છે.
PMપદ માટે મોદી સૌપ્રથમ પસંદ
દેશમાં અને દિલ્હીમાં હાલ જો લોસભાની ચૂંટણી નવેસરથી થાય તો વડા પ્રધાનપદ માટે હજી પણ લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી છે. ઓપિનિયન સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપને 46 ટકા મતો મળવાની શક્યતા છે, જ્યારે આપને 38 ટકા વોટ મળવાનું અનુમાન છે. સર્વે અનુસાર 75 ટકા મતો સાથી મોટી પીએમપદના પહેલી પસંદ છે, જ્યારે રાહુલ ગાંધી આઠ લોકોની પસંદ સાથે બીજા નંબરે છે.