નવી દિલ્હીઃ ઈઝરાયલી સેના અને પડોશના ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ આતંકવાદીઓ વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયલ, વેસ્ટ બેન્ક (ગાઝા)માં ફસાઈ ગયેલાં ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પાછાં લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ આદર્યું છે. તે અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા 212 ભારતીય નાગરિકોનું પહેલું જૂથ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર એમને આવકારવા માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. એમણે હાથ જોડીને પાછાં ફરેલાં ભારતીય નાગરિકોને આવકાર્યાં હતાં. પાછાં ફરેલાંઓમાં મોટાં ભાગનાં વિદ્યાર્થીઓ છે. ચંદ્રશેખરે અમુક વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.
ઈઝરાયલ ખાતેના ભારતીય રાજદૂત સંજીવ સિંગ્લાએ કહ્યું છે કે જરૂર જણાશે તેમ ભારતમાંથી વધારે ફ્લાઈટ્સની માગણી મૂકવામાં આવશે. ઈઝરાયલના તેલ અવીવ શહેરના એરપોર્ટ પરથી વિદ્યાર્થીઓ, દેખભાળ કરવાની નોકરી કરનારાઓ, તથા અન્ય ભારતીય નાગરિકો સાથેનું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે રાતે 10 વાગ્યે રવાના થયું ત્યારે ભારતીય દૂતાવાસની ટીમના તમામ સભ્યો ત્યાં હાજર રહ્યાં હતાં.