શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં 14 જુલાઈથી પર્યટન ક્ષેત્રને ફરી ખુલ્લું મૂકવાની વહીવટીતંત્રએ મંજૂરી આપી દીધી છે. કશ્મીર પર્યટન વિભાગના ડિરેક્ટર એન.એ. વાનીએ કહ્યું કે, પ્રથમ ચરણમાં પ્લેનથી આવનારા પર્યટકોએ હોટેલ બુકિંગ અને રિટર્ન ટિકિટની પરવાનગી છે. તે લોકોએ ફરજિયાત રીતે કોરોના વાયરસ માટેનો ટેસ્ટ કરાવવો પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ફેલાવાના કારણે ગત 22 માર્ચથી આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને એને કારણે જમ્મુ-કશ્મીરમાં પણ પર્યટન પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં 29,429 નવા કેસ સામે આવ્યા હતા અને 582 લોકોનાં મોત થયાં હતા. એક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે. દેશમાં આ વાઇરસથી મંગળવાર સુધીમાં કુલ 9,36,181 લોકો સંક્રમિત થઈ ચૂક્યા હતા અને 23,727 લોકોનાં મોત થઈ ચૂક્યા હતા.
જોકે આ ખતરનાક બીમારીને 5,92,031 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,19,840એ પહોંચી છે. રિકવરી રેટ 63.23 ટકાથી વધુ થયો છે.
આવનારા દિવસોમાં બેંગલુરુ અને પૂણે સહિત અનેક શહેરોમાં સત્તાવાળાઓ અલગ-અલગ સમય માટે લોકડાઉન ફરીથી લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે શનિવાર અને રવિવારના રોજ આખા રાજ્યમાં કડક પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટક અને તમિલનાડુએ દર રવિવારના રોજ લોકડાઉન રાખવાની જાહેરાત કરી છે.
