‘ડરના માહોલ’ મુદ્દે નિર્મલા સીતારમણે કહ્યુઃં એનાથી રાષ્ટ્રહિતને નુકસાન!

નવી દિલ્હીઃ મોદી સરકાર પર નિશાન સાધતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે, દેશમાં એવું વાતાવરણ છે કે લોકો સરકારની ટીકા કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે  આ સમયે એવું વાતાવરણ છે કે લોકો સરકારની ટીકા કરવામાં ડરે છે કે તેમની ટીકા યોગ્ય રીતે લેવામાં આવશે કે સરકારમાં બેઠેલા લોકો ગુસ્સે થશે તે ખબર નથી. તેમણે આ વાત ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલની ઉપસ્થિતમાં કહી હતી. રાહુલ બજાજે એવું પણ કહ્યું કે પહેલા યુપીએ -2 માં આપણે સરકારને કંઇ કહી શકતાં હતા, પરંતુ હવે એવું થતું નથી. હવેનું વાતાવરણ સારું નથી. રાહુલ બજાજના આ નિવેદન પછી તેમને ભાજપ સાથે જોડાયેલા લોકો તરફથી ટ્રોલ કરવામાં આવ્યાં હતાં.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાહુલ બજાજના આ નિવેદનને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘ગૃહપ્રધાન અમિત શાહે રાહુલ બજાજે જે સવાલો ઉભા કર્યા છે તેનો જવાબ આપ્યો છે. પ્રશ્નો અને ટીકાઓ સાંભળી અને ઉકેલી લેવામાં આવે છે. તમારા વિચારને પ્રોત્સાહન આપવાને બદલે, તમારે જવાબો મેળવવાનો વધુ સારો રસ્તો શોધવો જોઈએ. આવા વિચારને પ્રોત્સાહન રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે છે. જોકે  ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો તમારો પ્રશ્ન સાંભળ્યા પછી  મને નથી લાગતું કે લોકોમાં ડરના તમારા દાવાને કોઈ માનશે.

અન્ય કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વીટ કર્યું હતું કે, રાહુલ બજાજ ગૃહ પ્રધાન અમિત શાહની સામે ઊભા રહી શકે છે, કોઈ પણ પ્રકારના ભય વિના બોલી શકે છે અને અન્ય લોકોને તેમની સાથે જોડાવા માટે પણ પ્રેરિત કરી શકે છે. તેનો અર્થ એ કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો જીવંત અને સમૃદ્ધ છે. આ લોકશાહી છે.

જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા બજાજના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાહુલ બજાજે જે કહ્યું છે તે દેશભરના દરેક ક્ષેત્રની એક સામાન્ય ભાવના છે. જો કોઈ સમાજમાં, દેશમાં, કોઈ શહેરમાં કોઈ સુમેળ ન હોય તો, તમે કેવી રીતે અપેક્ષા કરી શકો છો કે રોકાણકારો ત્યાં આવશે અને ત્યાં તેમના નાણાંનું રોકાણ કરશે. નાણાં ફક્ત ત્યારે જ રોકાણ કરવામાં આવે છે જ્યાં તે વિકાસ કરી શકે છે અને જ્યાં ઘણી વૃદ્ધિની અપેક્ષા હોય છે.

તેમણે એમ પણ કહ્યું, “અને તે ફક્ત તે જ ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે જ્યાં શાંતિ, સુમેળ, પરસ્પર નિર્ભરતા અને ખુશીનું વાતાવરણ હોય.” કોંગ્રેસના અન્ય પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે લાંબા સમય પછી ‘કોર્પોરેટ જગતના કોઈએ સત્તા વિશે થોડું સત્ય બોલવાની હિંમત દર્શાવી છે’. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક ટ્વિટમાં કહ્યું, “ભારતીય કોર્પોરેટ જાહેરાત ઉદ્યોગમાં એક સૌથી પ્રખ્યાત ટેગલાઈન એ છે કે ‘તમે બજાજને હરાવી શકતા નથી’.” અમિત શાહને એ પણ ખબર પડી ગઈ છે કે તમે ફક્ત બજાજને ચૂપ કરી શકતા નથી. હમારા બજાજે બેન્ડ વગાડી દીધું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ ટ્વિટ કર્યું હતું કે, ‘હું હંમેશા રાહુલ બજાજને બિનરાજકીય, તીક્ષ્ણ રાષ્ટ્રવાદી અને ખૂબ પ્રામાણિક વ્યક્તિ તરીકે ઓળખું છું. તેમની ગઈકાલની ટિપ્પણી એમએસએમઇ, બેન્કરો અને ઉદ્યોગપતિઓ સાથે અનુરૂપ છે કે જે માને છે કે વહેલી તકે વ્યવસાયિક ભાવનામાં સુધારો નહીં થાય તો સૌથી ખરાબ સમય આવશે.