રેપ કરનારાઓનું જ લિન્ચિંગ કરી નાખોઃ સંસદમાં જયા બચ્ચનનો આક્રોશ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે, હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં સામેલ લોકોને લોકોને સોંપવામાં આવે. જયા બચ્ચને કહ્યું કે આ ઘટના જ્યાં બની છે તેના એક દિવસ પહેલાં પણ એવી જ બની હતી. તેમણે કહ્યું કે મને સમજાતું નથી કે તે વિસ્તારના સુરક્ષા અધિકારીને કેમ જવાબ માટે પૂછવામાં આવ્યું ન હતું. તેઓએ પોતાના કામમાં બેદરકારી દાખવી  છે. તેનો ચોક્કસપણે પૂછપરછ કરવી જોઇએ અને જવાબ આપવો જોઈએ. જયા બચ્ચને કહ્યું હતું કે તે ખૂબ કઠોર વર્તન હશે પરંતુ આવા લોકોને જાહેર લોકોના હવાલે કરવા જોઈએ જેથી જનતા તેને સજા આપી શકે.

હૈદરાબાદમાં બળાત્કારની ઘટના અંગે રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સાંસદોએ આ ઘટનાની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે આવા કેસોમાં નિર્ણય શક્ય તેટલો વહેલો હોવો જોઇએ.. સાંસદોએ નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે કેસના સાત વર્ષ બાદ પણ હજી સુધી તેના દોષિતોને ફાંસી આપવામાં આવી નથી. વિલંબિત ચુકાદો એ અન્યાય જેવો છે.

રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ આ ઘટનાની નિંદા કરી અને સમાજ સુધારણા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે તમામનું પોલિસિંગ કરવું શક્ય નથી. જાહેર જનતાના મનને કેવી રીતે પોલિસિંગ કરી શકાય. આપણે સમાજમાં જાગૃતિ લાવવી જોઇએ. દરમિયાન, દિલ્હી સરકારે નિર્ભયા ઘટનામાં દોષિત વિનય શર્માની દયા અરજી નામંજૂર કરી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે વહેલી તકે તેને ફાંસી આપવી જોઇએ.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું હતું કે, કડક કાયદો બનાવવામાં આવે છે પરંતુ તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. ચોક્કસ સમયમર્યાદા બનાવીને અમલ કરો. આજ સુધી નિર્ભયાને ન્યાય મળ્યો નથી.

રાજ્યસભા અધ્યક્ષ, વેંકૈયા નાયડુએ પણ કહ્યું કે, ફક્ત કાયદાથી કામ નહીં ચાલે. પરિવર્તન જરૂરી છે. તે સમાજનો રોગ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા માત્રથી કંઈ થશે નહીં. નાની વય હોય તો પણ છોડવા ન જોઇએ. જે આવું કામ કરી શકે છે, તેના શા માટે છોડી શકાય? એક ડર હોવો જ જોઇએ. સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે.

ગુરુવારે રાત્રે હૈદરાબાદની એક મહિલા ડોક્ટરનું વાહન રસ્તામાં બગડી ગયું. મહિલાએ પરિવારને જાણ કર્યાં બાદ તે ગુમ હતી અને વહેલી સવારે તેનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમ જ એસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓ પર કેસ નોંધવામાં અને કાર્યવાહી કરવામાં બેદરકારી હોવાનો આરોપ છે. આ મામલે સમગ્ર દેશમાં દુ:ખ અને રોષનું વાતાવરણ છે. દરમિયાન, તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવેએ કેસની વહેલી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ઘટના પછીના પોતાના પ્રથમ નિવેદનમાં કેસીઆરએ મહિલાના બળાત્કાર અને હત્યાને ‘ભયાનક’ ગણાવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]