નવી દિલ્હીઃ દિલ્હીની નિઝામુદ્દીનની પાસે આવેલી મરકજ મસ્જિદને ભીડથી ખાલી કરાવવી એ ઘણું મુશ્કેલ કાર્ય હતું. નિઝામુદ્દીનની મરકજ મસ્જિદ લોકોને ખાલી કરવા પર રાજી નહોતી. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ચેતવણી છતાં તબલિગી જમાત જીદ પકકડીને બેઠું હતું. મૌલાના સાદ એને ખાલી કરવા નહોતા ઇચ્છતા. ત્યાર બાદ ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને આગ્રહ કર્યો કે તેઓ જમાતને મસ્જિદ ખાલી કરાવવા માટે સમજાવે.
NSA અજિત ડોભાલ રાત્રે બે વાગ્યે પહોંચ્યા
ગૃહપ્રધાનના આગ્રહને લીધે અજિત ડોભાલ 28-29 માર્ચે રાત્રે બે વાગ્યે મરકકજ પહોંચ્યા હતા. ડોભાલે મૌલાના સાદને સમજાવ્યા અને ત્યાં હાજર રહેલા લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરાવવા માટે કહ્યું અને આ લોકોને ક્વોન્ટાઇનમાં રાખવાની વાત કરી. શાહ અને ડોભાલને સ્થિતિની ગંભીરતા માલૂમ હતી, કેમ કે સુરક્ષા એજન્સીઓએ કરીમનગરમાં ઇન્ડોનેશિયાના નવ લોકોની કોરોના પીડિત તરીકે ઓળખ કરી લીધી હતી.
ડોભાલે મસ્જિદના મૌલાનાઓને સમજાવ્યા
સુરક્ષા એજન્સીઓએ મરકજમાં કોરોના સંક્રમણનો સંદેશ બધાં રાજ્યો અને પોલીસને મોકલી આપ્યો. NSA ડોભાલે સમજાવ્યા પછી મરકજ 27,28 અને 29 માર્ચે 167 તબલિગી વર્કર્સને હોસ્પિટલમાં દાખલ કરાવવા સહમત થયા. ડોભાલના હસ્તક્ષેપ પછી જમાતના નેતા મસ્જિદની સફાઈ કરાવવા સંમત થયા. ડોભાલે મુસલમાનોની સાથે પોતાના જૂના સંપર્કોનો ઉપયોગ કરીને આ કામ પૂરું કર્યું. દેશની સુરક્ષા માટે વ્યૂહરચના બનાવવા માચે મુસ્લિમ ઉલેમાઓ સાથે તેઓ મીટિંગ કરી ચૂક્યા હતા.
જમાતમાં સામેલ થયેલાં નવનાં કોરોનાથી મોત
નિઝામુદ્દીન મરકજમાં તબલિગી જમાતમાં સામેલ નવ લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યાં છે. આ મોત તેલંગાણામાં છ, તામિલનાડુ, દિલ્હી અને મુંબઈમાં એક-એક થયાં હતાં.
મરકજથી 2361 લોકોને બહાર કઢાયા
નિઝામુદ્દીન મરકજથી આશરે 2,361 લોકોને પરાણે બહાર કઢાયા હતા. આ લોકોમાંથી 441 લોકોમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. આ લોકોને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય 1,107 લોકોને નરેલા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
મરકજથી પોલીસ કાર્યવાહી
મરકજ મામલે દિલ્હી પોલીસે મૌલાના સાદ, ડો. જીશાન, મુફ્તી શહજાદ, એમ સૈફી, યિનુસ અને મોહમ્મદ સલમાન સામે FIR નોંધ્યા છે. દરમ્યાન મૌલાના સાદ 28 માર્ચ પછી લાપતા છે. તેમની શોધખોળ ચાલુ છે.
