લોકડાઉનને લીધે NPR અને વસતિ ગણતરીનું કામ સ્થગિત

 નવી દિલ્હીવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના ચેપને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. જેથી નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)નું કામ અને સેન્સસ, 2021ની વસતિ ગણતરીનું કાર્ય નિયત સમયે શરૂ નહીં થાય, એમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ બંને કાર્ય એક એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમ્યાન થવાનું હતું. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને જોતાં NPR અને વસતિ ગણતરીનું કાર્ય આગામી આદેશ સુધી અટકાવવામાં આવ્યું છે.વડા પ્રધાન મોદીએ ગઈ કાલે સંપૂર્ણ લોકડાઉન કરતાં રોડ, રેલવે અને હવાઈ સર્વિસ બંધ કરી દીધી હતી.

કોરોના વાઇરસને લીધે ભયનો માહોલ

કોરોના વાઇરસને લીધે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશમાં કુલ 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે અત્યાર સુધી દેશમાં આશરે 550 લોકોને આ રોગથી ચેપગ્રસ્ત થયા છે. આ વાઇરસને લીધે લોકોમાં ભયનો માહોલ છે, કેમ કે વિશ્વમાં આ રોગથી 17,000 લોકોનાં મોત થયાં છે.

વડા પ્રધાને રૂ. 15,000 કરોડની ફાળવણી કરી

કોરોના વાઇરસના જોખમ વચ્ચે વડા પ્રધાને એક સપ્તાહથી પણ ઓછી સમયમાં બીજી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કોરોના વાઇરસના સંક્રમણથી મુકાબલો કરવા માટે અને આરોગ્ય સેવાઓ માટે રૂ. 15,000 કરોડની કેન્દ્રીય ફાળવણીની જાહેંરાત પણ કરી હતી. જોકે આ ચેપગ્રસ્ત બીમારી વધુ ના પ્રસરે એટલા માટે કેટલાંય રાજ્યોએ અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલેથી જ રેલવે, રસ્તા અને હવાઈ સેવાઓને બંધ કરી દીધી હતી. જોકે આવશ્યક માલસામાન લાવવા-લઈ જવાનું ચાલુ રખાશે.

આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે

ગૃહ મંત્રાલયે જે દિશા નિર્દેશો જારી કર્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે ખાવા-પીવાનો માલસામાન, કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ, માંસ, માછલી અને પ્રાણીના ખાવાના સામાનની દુકાનો ખુલ્લી રહેશે.