નવી દિલ્હીઃ શાહી ઇદગાહ મસ્જિદ-શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં અરજીકર્તાઓના એક જૂથે ગઈ કાલે કેન્દ્ર અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને કાનૂની નોટિસ મોકલીને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવાની માગ કરી છે, જે વિશે તેમનો દાવો છે કે આ મૂર્તિઓ આગ્રાની એક મસ્જિદની સીડીની નીચે દટાયેલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે સીડીઓ પર જનતાની આવ-જા તત્કાળ રોકવામાં આવે. સિવિલ પ્રક્રિયા સંહિતાની કલમ 80 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે, જે હેઠળ પક્ષોને 60 દિવસની અંદર જવાબ આપવાનો રહેશે.
અરજીકર્તાએ દાવો કર્યો હતો કે મથુરાના કેશવ મંદિરથી લેવામાં આવેલી મોંઘી મૂર્તિઓને મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા આગ્રાની બેગમ સાહિબા મસ્જિદની સીડીઓની નીચે દાટવામાં આવી હતી, ઔરંગઝેબે 1670માં કથિત રીતે અહીં બનેલા મંદિરને નષ્ટ કરી દીધું હતું.
અરજીકર્તાઓમાંથી એક અરજીકર્તા મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું હતું કે નિર્ધારિત સમયની અંદર દેવતાઓને સ્થાનાંતરિત કરે, આવું ન કરવા પર તે ખર્ચ કરવા માટે જવાબદાર હશે.
કેન્દ્રીય સચિવાલય, નવી દિલ્હીના માધ્યમથી કેન્દ્ર સરકાર, ડિરેક્ટર, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીના સુપરિન્ટેન્ડેન્ટ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા-આગ્રા અને ડિરેક્ટર, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા-મથુરાને નોટિસ મોકલવામાં આવી છે.