કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024થી પહેલાં ઇન્ડિયા ગઠબંધનને આંચકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટતા કરી છે કે તેમની પાર્ટી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે સાફ વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસની સાથે તેમની પાર્ટીને કોઈ સંબંધ નથી. તૂણમૂલ કોંગ્રેસની બંગાળની 42 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. જોકે ચૂંટણી પરિણામો આવ્યા પછી કોંગ્રેસની સાથે ગઠબંધન પર વિચાર કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
બંને પક્ષો ઇન્ડિયા ગઠબંધનનો મહત્ત્વનો ભાગ છે. છેલ્લા કેટલાય દિવસોથી બંગાળમાં TMC અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. બંને પક્ષોના ગઠબંધનને લઈને રાજ્ય કોંગ્રેસના નેતાઓ વચ્ચે મતમતાંતર હતા. હવે મમતાએ કહી દીધું છે કે તેમને કોંગ્રેસની સાથે કોઈ સંબંધ નથી.
દીદીના જણાવ્યા મુજબ તેમના પક્ષને બંગાળમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની કોઈ માહિતી નથી આપવામાં આવી. ના તો કોંગ્રેસે કે ના એ વિશે એ લોકોએ કોઈ ચર્ચા કરી.CM મમતા તરફથી જે પણ પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા, એ તેમણે ફગાવી દીધા હતા. TMC સુપ્રીમોએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું પશ્ચિમ બંગાળથી કોઈ લેવા-દેવા નથી. પહેલા દિવસે જ તેમનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.
અમે એકલા લડીશું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને તેમની ભારત જોડો ન્યાય યાત્રા પર તેમણે નિશાન સાધ્યું હતું. તેઓ મારા રાજ્યમાં આવી રહ્યા છે અને મને જાણ કરવાનો શિષ્ટાચાર પણ નથી કરતા, એમ તેમણે કહ્યું હતું.
