ઘઉંની આયાત કરવાનો કોઈ વિચાર નથીઃ સરકાર

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ દેશમાં ઘઉંની તંગી ઊભી થવાથી સરકાર એની આયાત કરવા વિચારી રહી હોવાના એક મીડિયા અહેવાલ (બ્લૂમબર્ગ)ને સરકારે રદિયો આપ્યો છે. કેન્દ્રના અન્ન અને જાહેર વિતરણ વિભાગ તરફથી આજે જણાવવામાં આવ્યું છે કે ઘઉંની આયાત કરવાનો સરકારનો કોઈ વિચાર નથી. સ્થાનિક માગણીને સંતોષી શકાય એટલો ઘઉંનો પૂરતો સ્ટોક દેશ પાસે ઉપલબ્ધ છે અને જાહેર વિતરણ કરવા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસે ઘઉંનો પૂરતો સ્ટોક છે.

અગાઉ એવો અહેવાલ હતો કે, ગયા માર્ચ મહિનામાં વિક્રમસર્જક ઉનાળાની ગરમી પડતાં ઘઉંનું ઉત્પાદન ઘટી ગયું હતું અને સ્થાનિક કિંમત વધી ગઈ હતી. આને કારણે દરરોજ રોટલી, નાન ખાનારાઓની મુશ્કેલી વધી ગઈ હતી. આ વખતે ઘઉંનું બમ્પર ઉત્પાદન નહીં થાય એવા સંકેતો મળ્યા બાદ સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર નિયંત્રણ મૂકી દીધું હતું. હવે દેશમાં ઘઉંની અછત ઊભી થતાં અને મોંઘવારીનો દર પણ ઊંચે જતાં સરકાર વિદેશમાંથી ઘઉંની આયાત કરવા વિચારી રહી છે. સત્તાવાળાઓ ઘઉં પરનો 40 ટકા ઈમ્પોર્ટ ટેક્સ તાત્પૂરતો નાબૂદ કરવા વિચારે છે, જેથી દેશના કેટલાક ભાગોમાં લોટ (આટા)ના મિલમાલિકોને ઘઉંની આયાત કરવામાં સુવિધા મળે. હવે સરકારે આ અહેવાલને રદિયો આપીને સ્પષ્ટતા કરી દીધી છે.