નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે અને તેમાં જણાવ્યું છે કે એણે પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ કરીને કોઈની પણ જાસૂસી કરી નથી. સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે કથિત પેગાસસ જાસૂસી મુદ્દા સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અંગે તપાસ હાથ ધરવા તે નિષ્ણાતોની એક સમિતિની રચના કરશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ એન.વી. રામના, ન્યાયમૂર્તિઓ સૂર્યકાંત તથા અનિરુદ્ધ બોઝની બેન્ચને જણાવ્યું કે સરકાર કંઈ છુપાવતી નથી. નિષ્ણાતોની સમિતિ દ્વારા તપાસ કરાવવાની જરૂર છે. આ બહુ જ ટેક્નિકલ બાબત છે. અમે સમિતિમાં આ ક્ષેત્રના નિષ્પક્ષ અને જાણીતા નિષ્ણાતોને નિયુક્ત કરીશું.
જાસૂસીના આરોપોમાં તપાસ કરાવવાની માગણી કરતી અરજી નોંધાવનાર વરિષ્ઠ પત્રકાર એન. રામ અને શશીકુમાર વતી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ ઉપસ્થિત થયા હતા. એમણે કોર્ટને કહ્યું કે સરકારે નોંધાવેલા સોગંદનામામાં એ જણાવાયું નથી કે સરકાર કે એની એજન્સીઓએ સ્પાઈવેરનો ઉપયોગ કર્યો હતો કે નહીં.