નવી દિલ્હી: ભારતીય રેલવેએ તેમના કર્મચારીઓને આશ્વાસન આપતા કહ્યું કે, કોઈની પણ નોકરી નહીં જાય પણ કર્મચારીઓના કામકાજમાં ફેરફાર ચોક્કસપણે થશે. રેલવે ડીજી (એચઆર) આનંદ એસ. ખાતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલવેમાં કોઈની પણ નોકરી નહીં જાય. ટ્રેન સંચાલન અને જાળવણી માટે જરૂરી કોઈપણ સલામતી કેટેગરીની નોકરીઓ સરેન્ડર કરવામાં નહીં આવે. વિવિધ શ્રેણી – વિભાગોમાં પદો માટે ચાલી રહેલ ભરતી પ્રક્રિયા હંમેશાની જેમ ચાલુ જ રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપીશું, નોકરીમાંથી કાઢીશું નહીં. અમે કુશળતા વગરની નોકરીઓમાંથી કુશળતા વાળી નોકરીઓ તરફ જઈ રહ્યા છીએ. રેલવે તેની આવકનો 65 ટકા હિસ્સો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જ ખર્ચ કરે છે. વર્ષ 2019માં શરૂ થયેલી 1,46,640 પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ 68,000 બિન-સલામતી વર્ગો બાકી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે માર્ચથી અમલમાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રેલવેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રેલવે તરફથી નિયમિત ટ્રેનો પણ 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. નુકસાન ઘટાડવા માટે રેલવેએ તેના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ નવી ભરતીઓ અટકાવવામાં આવી રહી છે અને જૂની ભરતીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.