શહેરોમાં ડીઝલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય નથી લેવાયો

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે એણે 2027 સુધી 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં ડીઝલ કાર પર પ્રતિબંધ પર એક સરકારી સમિતિની ભલામણો પર કોઈ નિર્ણય નથી લીધો. સરકારે કહ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના ડિરેક્શનમાં બનેલી એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી (ETAC)ની ભલામણો  કેટલાંય મંત્રાલયો અને રાજ્યો સહિત સ્ટેકહોલ્ડરો સંબંધિત છે. આ રિપોર્ટ પર વિવિધ સ્ટેકહોલ્ડરોની સાથે વિચારવિમર્શ કરવાનો બાકી છે. ETACની ભલામણો પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, એમ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતાવાળી ETACના અહેવાલમાં શહેરી કચરાથી બનેલા બાયોગેસની સાથે લિક્વિડ પેટ્રોલિયમ ગેસના સંમિશ્રણ, રાંધવા માટેના ફ્યુઅલના રૂપમાં મેથેનોલ અને ઇથેનોલનો ઉપયોગ ને વીજળી અને સોલર બેઝ્ડ કુકિંગનું સૂચન કર્યું હતું.

પેનલે 2035 સુધીમાં સ્કૂટર, બાઇક અને થ્રી વ્હીલર્સ વાહનોને તબક્કાવાર પાછા ખેંચવાની ભલામણ કરી છે, કારણ કે ભારતે 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મંત્રાલયે ભવિષ્યમાં ઓછા કાર્બન ઉત્સર્જનનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ સાથે કેન્દ્ર સરકાર ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને સેલ્સ અને સબસિડી પર ભાર આપી રહી છે. વાસ્તવમાં ભારત 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે રિન્યુએબલ એનર્જીથી પોતાની જરૂરિયાત માટે 40 ટકા વીજ ઉત્પાદન કરવા ઇચ્છે છે.