દાઉદની માહિતી આપનારને રૂ.25 લાખનું ઈનામ અપાશે

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ભાગેડૂ અન્ડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની ધરપકડ તરફ દોરી જાય એવી કોઈ પણ માહિતી આપનારને રૂ.25 લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે.

તપાસ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના ગાઢ સાગરિત શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ વિશેની માહિતી આપનારને રૂ. 20 લાખનું રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

તે ઉપરાંત હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણ જેવા દાઉદના અન્ય સાથીઓ વિશેની માહિતી આપનારને રૂ. 15 લાખનું ઈનામ અપાશે. આ તમામ લોકો 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકાઓના કેસમાં વોન્ટેડ આરોપીઓ છે.