નવી દિલ્હી- યાત્રીઓને પૂરતી વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે અમરનાથ શ્રાઈન બોર્ડને ફટકાર લગાવી છે. ઉપરાંત NGTએ નવા નિર્દેશ જારી કરીને અમરનાથ શ્રાઈનની આજુબાજુની જગ્યાને ‘સાઈલેન્સ ઝોન’ જાહેર કર્યું છે. સાથેજ પવિત્ર ગુફાની પાસે શ્રીફળ નહીં વધેરવાનો પણ આદેશ જારી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુમાં આવેલી વૈષ્ણોદેવીની યાત્રા અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નવા નિયમો જારી કર્યા બાદ હવે અમરનાથ યાત્રા અંગે પણ NGTનું કડક વલણ સામે આવ્યું છે. યાત્રીઓની અપાતી અપુરતી સુવિધાઓ અને પ્રદૂષણ પર NGTએ શ્રાઈન બોર્ડને ફટકાર લગાવી છે. NGTએ અમરનાથ શ્રાઇન બોર્ડને પૂછ્યું છે કે, વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશોનું પાલન હજી સુધી કેમ કરવામાં આવતું નથી? આ અંગે શ્રાઈન બોર્ડ પાસે સ્ટેટસ રીપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
NGTએ અમરનાથની પવિત્ર ગુફાની આસપાસના વિસ્તારને સાઈલન્સ ઝોન જાહેર કર્યો છે. આ અંગે NGTએ તર્ક રજૂ કરતાં કહ્યું કે, સાઈલેન્સ ઝોન બરફના આવતા તોફાનથી બચવામાં મદદ કરી શકે છે. સાથે જ ગુફા પાસે નારિયેળ ફોડવા ઉપર NGTએ સવાલ ઉઠાવ્યા છે. ગુફાની આજુબાજુમાં વધી રહેલી અસ્થાયી દુકાનો અને જાહેરમાં બનાવેલા શૌચાલયને નહીં હટાવવા અંગે પણ NGTએ શ્રાઇન બોર્ડને ફટકાર લગાવી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે ગુફાની પાસે પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશ્યથી એક કમિટિની પણ રચના કરી છે.