રાફેલ જેટ સોદો: મોદી સરકાર પર કોંગ્રેસના આરોપોને ફ્રાંસે નકાર્યા

નવી દિલ્હી- ભારતીય વાયુસેનાને અત્યાધુનિક બનાવવા ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલ જેટ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. જેને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા મોદી સરકાર પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફ્રાંસે નકારી કાઢ્યા છે. કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતાં કે, ફ્રાંસની કંપની ડસાલ્ટ એવિએશન સાથે રાફેલ ફાઈટર જેટની ખરીદીનો સોદો મોદી સરકારે કર્યો છે તેમાં વધારે રુપિયા ચુકવવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ફ્રાંસની કંપની ડસાલ્ટ એવિએશન સાથે ભારત સરકારે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો સોદો કર્યો છે. બીજી તરફ અનિલ અંબાણીની ભારતીય કંપની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડે કોંગ્રેસને જણાવ્યું કે, તે પોતાના આરોપ પરત ખેંચે. જો આમ કરવામાં નહીં આવે તો તેના પર કોર્ટ કેસ કરવાની અનિલ અંબાણીએ ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, ફ્રાંસની કંપનીએ ભારતીય પાર્ટનરની (રિલાયન્સ ડિફેન્સ) પસંદગી અયોગ્ય રીતે કરી છે.

કોંગ્રેસના આરોપ પર ફ્રાંસના રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, રાફેલ જેટને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને પ્રતિસ્પર્ધી સાથે ટકી રહેવા માટે પસંદ કરવામાં આવ્યા છે. વધુમાં ફ્રાંસના રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે કરવામાં આવેલી રાફેલ ફઈટર જેટની ડીલ સો ટકા પારદર્શી અને નિયમાનુસાર કરવામાં આવી છે.