વારાણસી– હિન્દુ માન્યતા અનુસાર કાશીમાં મૃત્યુ થાય તો વ્યક્તિને જન્મ મૃત્યુના ચક્કરમાંથી મોક્ષ મળી જાય છે. સદીઓ સુધી આ પવિત્ર નગરીની સાંકળી ગલીઓમાં અનેક લોકો તેમના જીવનના છેલ્લા દિવસો કે વર્ષો દરમિયાન આશ્રય લે છે. પરંતુ તેમાંથી ઘણા ઓછાને મોક્ષ કેન્દ્રમાં સ્થાન મળે છે. વારાણસીમાં માત્ર ગણ્યાગાંઠ્યા મોક્ષ ભવન છે. આ ભવનોમાં રોજની ડઝનો અરજી આવે છે. આવામાં વેઈટિંગ લિસ્ટ વર્ષો સુધી લંબાઈ જાય છે. પરંતુ આ પરિસ્થિતિ જલ્દી જ બદલાવાની છે. હવે અહીં એક નવુ મોક્ષ ભવન બનશે જે વધુ પવિત્ર હશે અને તેમાં વધુ રૂમ હશે જેથી અરજદારોને લાંબી રાહ નહીં જોવી પળે.
કાશી વિશ્વનાથ ધામ (કોરિડોર) પ્રોજેક્ટ અંતર્ગત, સરકાર પાસેથી ફંડ મેળવીને એક મોક્ષ ભવન બનાવવામાં આવશે. તેમાં સ્ત્રીઓ અને પુરુષો માટે સમાન સંખ્યામાં રૂમ હશે. આ ભવનમાં 50 વ્યક્તિ સાથે રહી શકશે. કાશી વિશ્વનાથ મંદિરના વિશાલ સિંહે જણાવ્યું કે અત્યારના મોક્ષ ભવનમાં માત્ર કપલને જ પ્રવેશ અપાય છે. અન્ય મોક્ષ ભવન એવા છે જ્યાં મરણ પથારીએ પડેલા લોકોને મોક્ષ અપાય છે. હવે જે મોક્ષ ભવન બનશે તેમાં આવી કોઈ શરતો નહીં હોય.
વિશાલ સિંહે જણાવ્યું, ખૂબ પવિત્ર જગ્યાએ મોક્ષ ભવન ઊભુ કરવા અમે અત્યારે ત્યાં જે વૃદ્ધ સંત સેવા આશ્રમનું બિલ્ડિંગ છે તેને રૂ. 2.5 કરોડમાં ખરીદી લીધું છે. આ બિલ્ડિંગ ખખડધજ હતુ અને તેને તોડી પડાયું છે. નવુ બિલ્ડિંગ 2021 સુધીમાં બની જશે.
નવું સેન્ટર હાલના બધા જ મોક્ષ કેન્દ્ર કરતા જુદુ પડશે. તે કાશીની સૌથી પવિત્ર જગ્યા અવિમુક્ત સર્કલ પાસે બનશે. આ જગ્યા કાશી વિશ્વનાથ મંદિર અને મણિકર્ણિકા ઘાટ વચ્ચે છે. ત્રણ માળના બિલ્ડિંગમાં એક હોસ્પિટલ અને રહેવાની વ્યવસ્થા હશે. સિસ્ટમ વહેલા તે પહેલા ધોરણે કામ કરશે.
અસ્સી એરિયાના મુમુક્ષુ ભવનમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હૈદરાબાદનું વૃદ્ધ દંપતિનો આ સમાચાર સાંભળીને તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમણે કહ્યું, કાશી અંતર્જ્ઞાનનો સ્રોત છે અને શાસ્ત્ર મુજબ અહીં મૃત્યુ પામનારને મોક્ષ મળે છે. મોક્ષ મેળવવા ઈચ્છતા લોકો માટે આ સમાચાર આશીર્વાદરૂપ છે.