નવી દિલ્હીઃ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સોમવારે દેશના 47માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. જસ્ટિસ બોબડે સીજેઆઈ રંજન ગોગોઇના અનુગામી બન્યાં છે. ન્યાયપાલિકાના આ સર્વોચ્ચ સ્થાને પહોંચવાવાળા તેઓ મહારાષ્ટ્રના ચોથા વ્યક્તિ છે. આ પહેલાં જસ્ટિસ પ્રહલાદ ગજેન્દ્રગડકર 1964થી 1966 સુધી દેશના 7માં સીજેઆઈ રહ્યાં હતાં.
જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લા 1968થી 1970 સુધી દેશના 11માં સીજેઆઈ રહ્યાં. તો દેશના 16માં સીજેઆઈ જસ્ટિસ વાય વી ચંદ્રચૂડે સીજેઆઈ તરીકે 1978થી 1985 સુધી પોતાની સેવાઓ આપી. ગત બે વર્ષમાં જસ્ટિસ બોબડે સુપ્રીમ કોર્ટના અનેક મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયોમાં શામેલ રહ્યાં છે.
જેમાં આ વર્ષે 9 નવેમ્બરે આવેલાં અયોધ્યા રામમંદિર વિવાદનો નિર્ણય પણ શામેલ છે. જસ્ટિસ બોબડે 9 સભ્યોની સુપ્રીમ કોર્ટની બેન્ચનો ભાગ હતાં જેમણે સર્વસંમતિથી નિજતાના અધિકારને સંવૈધાનિક રુપથી મૌલિક અધિકાર સાથે જોડાયેલાં કેસનો નિર્ણય કર્યો હતો.
બોબડે એ ત્રણ સભ્યોની બેન્ચનો હિસ્સો પણ હતાં જેણે કહ્યું હતું કે આધાર કાર્ડ ન હોવાથી કોઇપણ વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ અને સરકારી સબસિડીઓથી વંચિત ન કરી શકાય. એક વકીલના રુપમાં જસ્ટિસ બોબડેએ ઉચ્ચ અદાલતોમાં ખેડૂતોના કેટલાક મામલાઓની પેશકશ પણ કરી હતી.
1970 અને 80ના દશકમાં બોબડેને ખેડૂતોના હક માટે લડનાર તરીકે ઓળખવામાં આવતાં હતાં. 1996માં જસ્ટિસ બોબડેએ શિવસેના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે સાથે જોડાયેલ એક માનહાનિ કેસ પણ લડ્યો હતો.શિવસેના સંસ્થાપક બાલાસાહેબ અને શિવસેના નેતા સંજય રાઉત સહિત કેટલાક સમાચારપત્રો વિરુદ્ધ એક અરજી કરવામાં આવી હતી.
આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મુંબઈના શિવાજી પાર્કમાં ઠાકરેએ કહ્યું હતું કે તેમને કોઇએ કહ્યું હતું કે એક જજે તેમના તરફેણમાં નિર્ણય આપવા માટે 35 લાખ રુપિયાની માગણી કરી હતી. હાઈકોર્ટે કરેલી સજા બાદ આ મામલે સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ લડતાં બોબડેએ દલીલો કરી હતી જેને કોર્ટે માન્ય રાખી હતી અને અરજીને ફગાવી દીધી હતી.
નાગપુરમાં જન્મેલા બોબડેએ નાગપુરની એસએફએસ કોલેજમાંથી સ્નાતક ડિગ્રી મેળવી હતી. તે પછી તેમણે ડૉ. આંબેડકર લો કોલેજ નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા અરવિંદ બોબડે રાજ્યના એડવોકેટ જનરલ રહી ચૂક્યાં છે. લૉ કોલેજમાં બોબડેના ક્લાસમેટ હતાં એવાં નીતા જોગ કહે છે કે મને ખૂબ ગર્વનો અનુભવ થાય છે કે તેઓ પોતાની પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનતથી ભારતના ચીફ જસ્ટિસ પદ પર પહોંચ્યાં છે. જસ્ટિસ બોબડે કેટલાય નવા વકીલો માટે પ્રેરણારુપ છે.
નાગપુર હાઈકોર્ટમાં બોબડેની ટીમમાં રહેલાં એડવોકેટ આર પી જોશી જણાવે છે કે બહુ ઓછા લોકોને જાણ છે કે બોબડેએ પોતાના કોલેજના દિવસોમાં કેટલીય ટેનિસ ટુર્નામેન્ટો જીતી છે. તેઓ પોતાની કોલેજમાં શીર્ષ ટેનિસ ખેલાડી હતાં અને હજુ પણ ટેનિસના મોટા પ્રશંસક છે. તેઓ સારી ફોટોગ્રાફી માટે પણ જાણીતાં છે. બાઇક ચલાવવાના પણ શોખીન છે.