નવી દિલ્હી – નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વડા પ્રધાન બનવાનું મેં ક્યારેય સપનું સેવ્યું નહોતું, કારણ કે મારા જીવનની પૃષ્ઠભૂમિમાં એવું કંઈ નહોતું કે જેથી મારે એવું કોઈ સપનું સેવવું પડે.
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારને આપેલી વિશેષ મુલાકાતમાં મોદીએ કહ્યું કે બાળપણમાં હું ક્યારેય મારા ગામની બહાર ગયો નહોતો. એટલે વડા પ્રધાન બનવાનું સપનું મેં ક્યારેય સેવ્યું નહોતું. સફર શરૂ થઈ અને દેશે મારો સ્વીકાર કરી લીધો.
વડા પ્રધાન મોદી અને ‘ખિલાડી’ ફિલ્મના અભિનેતા વચ્ચેનો લગભગ એક કલાક લાંબો ઈન્ટરવ્યૂ, જે આજે પ્રસારિત કરવામાં આવ્યો હતો, એમાં કોઈ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં આવી નહોતી.
પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે પૂછતાં મોદીએ કહ્યું કે, મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે લોકો એવા વિચાર કરતા નથી. હું એક દિવસ વડા પ્રધાન બનીશ એવો વિચાર માત્ર એવા જ લોકોના મનમાં આવી શકે જેઓ પૃષ્ઠભૂમિની સાથોસાથ એક વિશેષ પરિવાર સાથે સંબંધ રાખતા હોય.
પરંતુ મારી પારિવારિક પૃષ્ઠભૂમિ એવી રહી છે કે જો મને કોઈક સારી નોકરી મળી હોત તો મારી માતાએ પડોશનાં લોકોમાં ગોળ વહેંચ્યો હોત, કારણ કે અમે એનાથી આગળ કંઈ વિચાર્યું જ નહોતું. અમે ક્યારેય અમારા ગામની બહાર કંઈ જોયું જ નહોતું.
મોદીએ વધુમાં કહ્યું કે, મારી જીવનસફર શરૂ થઈ અને દેશે મને સ્વીકારી લીધો. જવાબદારીઓ પણ મારી ઉપર આપોઆપ આવી ગઈ. મારા વ્યક્તિગત દ્રષ્ટિકોણ અનુસાર, વડા પ્રધાન બનવાનો સંજોગ અસ્વાભાવિક છે, કારણ કે મારું જીવન અને દુનિયા વર્તમાન રાજકીય વાતાવરણમાં જરાય ફિટ નથી બેસતું.
મોદીએ આ ઈન્ટરવ્યૂ નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત એમના સત્તાવાર નિવાસસ્થાને આપ્યો હતો. એમણે અક્ષયને કહ્યું કે, મને કાયમ આશ્ચર્ય થાય છે કે દેશ મને કેટલો બધો પ્યાર કરે છે અને મને કેટલું બધું આપે છે. એક સમય એવો આવ્યો હતો કે મને સંન્યાસી બનવાની કે મિલિટરીમાં જોડાવાની ઈચ્છા થઈ આવી હતી.
અક્ષય કુમારે મોદીને એમની દિનચર્યા, એમની જવાબદારીઓ ઉપરાંત એમની ઊંઘ વિશે પણ સવાલો પૂછ્યા હતા.
અક્ષયે જ્યારે મોદીને પૂછ્યું કે તમને કેરી (ફળ) કેટલું ગમે? ત્યારે મોદીએ જૂની યાદમાં ખોવાઈ ગયા હતા અને કહ્યું કે બાળપણમાં એ કેવી રીતે કેરી ખાવાનો આનંદ માણતા હતા. જોકે વડા પ્રધાન તરીકે એમણે સાવચેતી રાખવી પડે છે અને પોતાના આહાર ઉપર ધ્યાન આપવું પડે છે.
httpss://www.facebook.com/narendramodi/videos/338471366834121/