હૈદરાબાદ- હૈદરાબાદ શહેરને ભીક્ષાવૃત્તિથી મુક્ત કરવાના પ્રયાસ અંતર્ગત તેલંગાણા કારાગાર વિભાગે નવી જાહેરાત કરી છે. જે મુજબ આગામી 25 ડીસેમ્બરથી ભીખારીઓની ઓળખ આપનારને 500 રુપિયાનું ઈનામ આપવામાં આવશે.
હૈદરાબાદ પોલીસે 7 જાન્યુઆરી 2018 સુધી શહેરના રસ્તાઓ પર ભીખ માગવા પર રોક લગાવી છે. શહેર પોલીસનું કહેવું છે કે, ભીખારીઓને કારણે વાહનો અને ફૂટપાથ પર ચાલતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્ય સુધાર પ્રશાસન સંસ્થાના પ્રાધ્યાપક એમ. સંપથે જણાવ્યું કે, શહેરના નાગરિકો રસ્તા પર ભીખ માગી રહેલા કોઈપણ વ્યક્તિની માહિતી નિયંત્રણ કક્ષમાં આપી શકે છે.
એમ. સંપથે વધુમાં જણાવ્યું કે, આગામી 25 ડિસેમ્બર 2017થી કારાવાસ વિભાગ હૈદરાબાદ શહેરમાં ભીક્ષુકોની ઓળખ કરનારને અને આ અંગે વધુ માહિતી આપનારને તેમ જ સૂચના આપનારાને 500 રુપિયાનું રોકડ ઈનામ આપશે. જેથી શહેરને ભીક્ષુકમુક્ત બનાવવામાં મદદ મળી શકે.