સુરક્ષાદળોએ નવ મહિનામાં 130 નક્સલી ઠાર માર્યા, 1150 નક્સલીએ સરેન્ડર કર્યું

નવી દિલ્હી- દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. સુરક્ષા દળોએ ગત નવ મહિનામાં લગભગ 130 નક્સલી ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે 1150 નક્સલીઓએ સરેન્ડર કર્યું હોવાની માહિતી મળી રહી છે.ઉલ્લેખનીય છે કે, દેશમાં છત્તીસગઢ અને ઝારખંડ નક્સલ આતંકથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. જેમાં ગત કેટલાક વર્ષોમાં સુરક્ષા દળોને મળેલી આ સૌથી મોટી સફળતા છે.

નક્સલી ઉગ્રવાદીઓ સામે મોટાપાયે હાથ ધરાયેલી ઝુંબેશના પગલે નક્સલી હિંસામાં આશરે 40 ટકા જેટલો ઘટાડો થયો હોવાનો સુરક્ષા અધિકારીઓનો દાવો છે. બીજી તરફ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 1800 નક્સલી આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે.

આ ઉપરાંત નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ વધારેલી સખ્તાઈને કારણે હવે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવતી તેમની ભરતી પ્રક્રિયા ઉપર પણ અસર પડી છે. જેના કારણે નક્સલવાદીઓમાં નિરાશા વધી રહી છે.