નરેન્દ્ર મોદીઃ સત્તાના શિખર પર 20 વર્ષ

નવી દિલ્હી/અમદાવાદઃ ચૂંટાયેલી સરકારના વડા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા બરાબર 20 વર્ષ પૂર્વે આજના દિવસથી શરૂ થઈ હતી. ગુજરાત માટે એ બહુ મુશ્કેલ સમય હતો, જ્યારે કચ્છમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. એવી મુશ્કેલ સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું, પણ એ દિવસે તેમણે જે નેતૃત્વ સંભાળ્યા પછી આજ સુધી પાછળ વળીને જોયું નથી.

ગુજરાતના વિકાસનો એક એવો દોર શરૂ થયો, જે સપનું બનીને દેશના 130 કરોડ લોકોની આંખોમાં પણ વસી ગયું. તેઓ હંમેશાં સૌના માટે વિકાસના રસ્તે આગળ વધતા રહ્યા. પોતાની અને પોતાની સરકારની સામે ષડયંત્રો અને નકામા વિવાદોથી તેઓ ક્યારેય હતોત્સાહ થયા નહીં. તેમના કાર્ય અને તેમની સફળતા હંમેશાં તેમના પડખે બોલતી રહી.

ભલે, મુશ્કેલથી મુશ્કેલ દોરમાં રાહત કાર્યોને આગળ વધવાના નેતૃત્વ સંભાળવાની વાત હોય અથવા ગુજરાતમાં ઉત્પાદનનો બેઝ વધારવાનો સંકલ્પ હોય, રાજ્યમાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના સામાજિક અભિયાનનો પ્રારંભ કરવાનો હોય કે પછી વિશ્વ સ્તરીય શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની પહેલ –વિકાસની કોઈ પણ બાજુ સુશાસનના તેમના મંત્ર અને તેમની દૂરંદર્શીથી દૂર નથી રહી.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત આશાનો એક પ્રકાશ-સ્તંભ બની ગયું. એની સાથે જ એ રાજ્ય ન્યુ ઇન્ડિયાની આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરવા લાગ્યું. આખરે ભાજપે તેમને 2013માં વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા. ગુજરાતના વિકાસ મોડલથી પ્રેરિત 21મી સદીના નવા ભારતના વિકાસ મોડલના નરેન્દ્ર મોદીના વિઝનને ટેકો પ્રાપ્ત થયો, જે 2014ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીતના રૂપમાં સામે આવ્યો.

2014માં એક નવા ભારતનો ઉદય થયો, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર સંપૂર્ણ બહુમતી મળી હતી. નરેન્દ્ર મોદીએ પોતાને પ્રધાન સેવક તરીકે ગણાવીને ગરીબો, પીડિતો, વંચિતો અને શોષિતો માટે અનેક યોજના શરૂ કરી.ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરતાં તેઓ રાષ્ટ્રહિત પ્રતિ કટિબદ્ધ રહ્યા. કોઈ પણ પડકાર માટે હંમેશાં તૈયાર રહેનારા મોદીએ ભારતની છબીને ઊજળી બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેઓ કુશળ નેતૃત્વ ક્ષમતાથી એક વિશ્વ નેતાના રૂપમાં સામે આવ્યા. તેમણે ભારતને પણ વિશ્વગુરુ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું.

આજે નરેન્દ્ર મોદી જન વિશ્વાસનું બીજું નામ છે, જ્યારે-જ્યારે કોઈ મુસીબત સામે આવે છે, ગરીબોની સાથે તેમનું બોન્ડિંગ વધી જાય છે. જોકે હજી તેમનું અડધું કાર્ય પૂરું થયું છે અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રની સાથે ન્યુ ઇન્ડિયાના નિર્માણની યાત્રા પૂરી થવાની બાકી છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને PMના યોગદાનની પ્રશંસા કરી

વડા પ્રધાનનાં નેતૃત્વનાં 20 વર્ષ પૂરાં આજે થયાં છે, એ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને તેમને ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને વડા પ્રધાન બન્યા અને એના પછીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે 7 ઓક્ટોબર દેશના ઇતિહાસમાં એક બહુ મહત્ત્વપૂર્ણ દિવસ છે. 2001માં આજે જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાનના પદે શપથ લીધા હતા અને એ દિવસથી શરૂ થયેલી તેમની સફર વિના અટકે, વિના આરામ કર્યે પ્રત્યેક દિવસે દેશહિત અને જનસેવામાં સમર્પિત રહી છે અને નિતનવાં શિખરો સર કરતી જાય છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યમાં વિકાસની ક્રાંતિ લાવ્યા અને હવે વડા પ્રધાનના રૂપે વિવિધ ઐતિહાસિક યોજનાઓ અને કાર્યોથી કરોડ ગરીબ, કિસાન, મહિલા અને સમાજના વંચિત વર્ગને સશક્ત કરીને તેમના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001એ સૌપ્રથમ વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા અને એ પછી 20 વર્ષની તેમની રાજકીય સફર પર ભાજપ તેમના પ્રતિ વર્ષ એક મુખ્ય સફળતાએ ‘દરેક વર્ષ ખાસ છે’ની એક શૃંખલા જારી કરી છે.