નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપ્રચાર જારી છે. ચૂંટણીપ્રચાર દરમ્યાન કેટલાય નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જેમાં હવે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનાં ભત્રીજી મારિયા આલમનું નામ પણ સામેલ છે. મારિયા આલમ સમાજવાદી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરી રહી હતી અને એ દરમ્યાન ‘મત જિહાદ’ કરવાની વાત તેણે કરી હતી.
સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયો ક્લિપમાં મારિયા આલમ કહે છે, બહુ સમજદારીની સાથે, બહુ લાગણીશીલ ના થઈને, ખામોશીની સાથે, એકસાથે ભેગા થઈને મતોનું ‘જિહાદ’ કરો. આપણે માત્ર મતોનું જિહાદ જ કરી શકીએ છીએ અને આ સરકારને ભગાડવાનું કામ કરી શકીએ છીએ. મને બહુ શરમ આવે છે, જ્યારે મેં સાંભળ્યું કે કેટલાક મુસ્લિમોએ ભાજપ ઉમેદવાર મુકેશ રાજપૂતની સાથે મિટિંગ કરી.
ફરુખાબાદ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર મુકેશ રાજપૂતની સાથે મિટિંગ કરવાવાળા મુસ્લિમોને સલાહ આપતાં તેણે કહ્યું હતું કે આટલા મતલબી ના બનો કે બાળકોની જિંદગીઓ સાથે રમો, અમારાં બાળકોના જીવોથી રમો. આજે કેટલા લોકો CAA-NRCના કેસોમાં જેલોમાં બંધ છે. મને ખુશી છે કે એ બાળકોના કેટલા કેસ સલમાન ખુરશીદ સાહેબ મફતમાં લડી રહ્યા છે, જે બહુ મોટી વાત છે.
જો તમે સાથ નહીં આપો અને ઘેર બેઠા રહેશો તો અમે કંઈ નહીં કરી શકીએ. અમે 100 વાર લડીશું અને 100 વાર હારીશું, એટલા માટે તમારે અમને સાથ આપવો જ પડશે, એમ તેમણે કહ્યું હતું.
