ગોંડાઃ તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને મળેલી જીત બાદ દેશભરમાંથી તેમના લાખો પ્રશંસકોના સમાચારો આવી રહ્યાં છે. આવું જ કંઈક થયું ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં. અહીં એક મુસ્લિમ પરિવારના ઘરમાં નવજાત બાળકની માતાએ જીદ પકડી લીધી કે તે પોતાના બાળકનું નામ તો નરેન્દ્ર દામોદરદાસ મોદી જ રાખશે. આ માતાની જીદ પૂરી થઈ અને બાળકના નામને તમામ લોકોએ મંજૂરી આપી.ઘટના ગોંડા જિલ્લાના વજીરગંજ કસ્બાના પરસાપુર મહરૌરની છે. અહીંયા મૈનાઝ નામની એક મુસ્લિમ મહિલાએ 23 મેના રોજ એક બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મ બાદ જ્યારે તેના નામ પર વિચાર કરવામાં આવ્યો તે સમયે મૈનાઝે ઈચ્છા વ્યક્ત કરી કે તે પોતાના બાળકનું નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવા ઈચ્છે છે.
જો કે પહેલાં તો લોકોને આ મજાક લાગી, પરંતુ જ્યારે બાળકની માતા પોતાની વાત પર અડગ રહી તો લોકો અને પરિજનો વિચારમાં પડી ગયાં. બાળકના પિતા મુશ્તાક અહમદ ભારત બહાર ખાડી દેશોમાં કામ કરે છે. તેઓ પણ તે સમયે ભારતમાં નહોતા, પણ બાળકના દાદા મહોમ્મદ ઈદરીસ આગળ આવ્યાં અને તેમણે પોતાની પુત્રવધૂની વાતનું સમર્થન કરતાં બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવા પર સહમતી વ્યક્ત કરી.
ત્યારબાદ બાળકના પિતા સાથે ફોન પર વાત કરીને તેમની પણ મંજૂરી લેવામાં આવી અને ડીએમ કાર્યાલયમાં એક
સોગંદનામું આપીને કહેવામાં આવ્યું કે પરિવાર રજિસ્ટરમાં બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવામાં આવે. મૈનાઝ બેગમ કહે છે કે તે વડાપ્રધાન મોદીને મામલે જોતી અને સાંભળતી આવી છે. તે કહે છે કે મોદીજી સારું કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ત્રણ તલાક પર કાયદો બનાવીને મોદીજીએ મુસ્લિમ મહિલાઓને જીવન જીવવાનો હક્ક આપ્યો છે.
મૈનાઝ બેગમે ડીએમના નામે એક શપથપત્ર બનાવડાવ્યું છે. જેને તેમના સસરા ઈદરીસે ડીએમના કેમ્પ કાર્યાલયમાં શુક્રવારના રોજ રિસીવ કરાવી દીધું છે. એડીઓ પંચાયત વજીરગંજ ઘનશ્યામ પાન્ડેને પણ શપથપત્ર આપવામાં આવ્યું. પાન્ડેએ જણાવ્યું કે શપથપત્ર મળ્યું છે. તેને બીડીઓ પરસાપુર મહરૌરને મોકલવામાં આવ્યું છે. પરિવાર રજિસ્ટરમાં નવજાત બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી નોંધાઈ જશે.
મહિલાના સસરા ઈદરીસે કહ્યું કે વડાપ્રધાન મોદી પ્રત્યે મારી પણ વ્યક્તિગત આસ્થા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નિર્ણય પર સમાજ શું કહેશે? તો તેમણે જવાબ આપ્યો કે આ પારિવારિક નિર્ણય છે, આમાં કોઈ દખલ ન કરી શકે.
સોગંદનામાંમાં રસપ્રદ રીતે આ નામ રાખવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે તારીખ 23 મે 2019 ના રોજ દેશના સૌથી મોટા સદનમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીની દેશભક્તિ અને કુશળ રાજનયિક ક્ષમતાને જનતાએ સ્વીકૃતિ પ્રદાન કરી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામ અને કાર્યથી પ્રભાવિત થઈને પોતાના નવજાત શિશુનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખું છું તેમ જ તેમના વિચારો પર ચાલવાનો સંકલ્પ લઉં છું.