નવી દિલ્હીઃ વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પાછળ છોડી દીધા છે. દેશની સૌથી શ્રીમંત વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બર્કશાયર હેથવેના વોરેન બફેટ, ગૂગલના લૈરી પેજ અને સર્જી બ્રિનને પાછળ છોડીને વિશ્વના સાતમા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.
વિશ્વના 10 માલેતુજારની યાદીમાં મુકેશ અંબાણી એશિયાની એકમાત્ર વ્યક્તિ
વિશ્વના 10 માલેતુજારોની યાદીમાં મુકેશ અંબાણી એશિયાની એકકમાત્ર વ્યક્તિ છે. ફોર્બ્સના મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 70 અબજ ડોલર થઈ ગઈ છે.
પાછલા 20 દિવસોમાં તેમની સંપત્તિમાં 5.4 અબજ ડોલરનો ઉમેરો
પાછલા 20 દિવસોમાં તેમની સંપત્તિમાં આશરે 5.4 અબજ ડોલરનો વધારો થયો છે, જેથી તેઓ સાતમા ક્રમે આવી ગયા છે.કેટલાક દિવસો પહેલાં 20 જૂને જારી થયેલી ફોર્બ્સની યાદીમાં તેઓ નવમા સ્થાને હતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ હાલમાં 12 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણીનો હિસ્સો 42 ટકા છે. હાલ આ શેર 52 સપ્તાહના ઊંચા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. આ ફોર્બ્સની યાદી શેરની કિંમતને આધારે તૈયાર કરવામાં આવે છે.
ફોર્બ્સની આવી યાદીમાં પહેલા નંબરે જેફ બેઝોસ સામેલ છે. તેમની સંપત્તિ 188.2 અબજ ડોલર છે. બિલ ગેટ્સ 110.70 અબજ ડોલર સાથે બીજા નંબરે છે. બર્નાર્ડ ઓર્નોલ્ટ ફેમિલી 108.8 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમાંકે, માર્કે ઝુકરબર્ગ 90 અબજ ડોલરની સાથે ચોથા સ્થાને, સ્ટીવ બોલ્મર 74.5 અબજ ડોલર સાથે પાંમા નંબરે અને લૈરી એલિસન 73.4 અબજ ડોલરની સાથે છઠ્ઠા ક્રમાંકે છે.
મુકેશ અંબાણી આ યાદીમાં 70.10 અબજ ડોલરની સાથે સાતમા નંબરે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 70.10 અબજ ડોલરની સાથે સાતમા નંબરે છે. ત્યાર બાદ આ યાદીમાં વોરેન બફેટ, લૈરી પેજ અને સર્જી બ્રિનને સામેલ કરવામાં આવ્યા છે.