મુગલસરાય જંક્શન હવે બની રહ્યું છે દીનદયાળ ઉપાધ્યાય જંક્શન

લખનઉ- ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લાના ઐતિહાસિક મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન કરવામાં આવ્યું છે. રેલવે પાસેથી મંજૂરી પત્ર મેળવ્યા બાદ મુગલસારાઈ ડિવિઝને નામ બદલવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.નામ બદલવાની પ્રક્રિયાના આ ક્રમમાં મુગલસરાઈ સ્ટેશન પર લાગેલા તમામ જૂના સાઈન બોર્ડ દૂર કરીને નવા સાઈન બોર્ડ લગાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશનનું નામ બદલાયા બાદ ટિકિટની બુકિંગ માટે સ્ટોશનનો કોડ પણ બદલાઈ જશે. જે મુજબ વર્તમાન કોડ MGS તે બદલાઈને DDU કરવામાં આવશે.બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયથી દિલ્હી-હાવડા માર્ગ પર આવેલા મુગલસરાઈ સ્ટેશનનું નામ બદલવાની કવાયત ત્યારે શરુ કરવામાં આવી જ્યારે ઉત્તપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મુગલસરાઈ સ્ટેશનનું નામ બદલવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. જેને કેન્દ્ર સરકારે મંજૂર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, વર્ષ 1968માં મુગલસરાઈ સ્ટેશન ઉપર જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના શાસનકાળ દરમિયાન આ સ્ટેશનનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારની આ યોજના રાજકીય કારણોસર સફળ થઈ શકી નહતી. ત્યારબાદ સમયાંતરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આ સ્ટેશનનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કરવાની માગ ઉઠતી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મુગલસરાઈ જંક્શનનું નામ એશિયાના સૌથી મોટા રેલવે યાર્ડ તરીકે પણ જાણીતું છે. આ સ્ટેશન દિલ્હી-હાવડા રુટ ઉપરનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે. અહીંથી રોજના લાખો પ્રવાસી મુસાફરી કરે છે. અહીંથી આશરે 2500 ટ્રેન દરરોજ પસાર થાય છે.