શ્રાવણ માસ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુની ઐતિહાસિક જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રા

કેદારનાથઃ સુપ્રસિદ્ધ રામકથાકાર અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગ મંદિરો ખાતે એમના ભક્તો માટે રામકથા કરી રહ્યા છે. આ રામકથા પ્રવચનોનો આરંભ ગઈ કાલ, 22 જુલાઈથી થયો છે અને 8 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. આ માટે તેઓ ત્રણ પવિત્ર ધામ અને તિરુપતિ બાલાજી મંદિરના પ્રવાસે જશે. ભગવાન રામની ખ્યાતિનો ફેલાવો કરવા માટે આદરેલી આ સમગ્ર સફર દરમિયાન તેઓ 8 રાજ્યોમાં આશરે 12,000 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. આ સફરનો ઉદ્દેશ્ય દેશમાં એકતા અને હિન્દૂ પરંપરાઓને મજબૂત કરવાનો છે.

છેલ્લા 60 વર્ષથી રામકથા કરતા આવેલા પૂજ્ય મોરારિબાપુએ આ પ્રવાસમાંની પહેલી રામકથા ગઈ કાલથી કેદારનાથ ધામ ખાતે શરૂ કરી છે. આ સ્થળ જમીનથી આશરે 12,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. રામકથા યાત્રાનું સમાપન 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતમાં મોરારિબાપુના ગામ તલગાજરડા ખાતે કરવામાં આવશે.

૧૮-દિવસની જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રાનો આરંભ 23 જુલાઈ, 2023એ યાત્રાસ્થળ ઋષિકેશથી કરાશે. તદુપરાંત બે સ્પેશિયલ ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે – કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકુટ ભારત ગૌરવ. ખાસ તૈયાર કરાયેલી આ બે ટ્રેનોમાં 1,008 શ્રદ્ધાળુઓ પ્રવાસ કરી શકશે. ટ્રેનના ડબ્બાઓના બહારના ભાગોમાં 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો, તિરુપતિ બાલાજી મંદિર અને મોરારિબાપુના ગામના દ્રશ્યોને વિનાઈલ રેપ્સ વડે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

તમામ દિવસોની રામકથામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળેથી સામેલ થઈ શકે છે. તમામ શ્રદ્ધાળુઓને આયોજકો તરફથી પ્રસાદ તરીકે ત્રણ ભોજન પીરસવામાં આવશે.

પૂજ્ય મોરારિબાપુએ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા વિશે જણાવ્યું કે, આ પવિત્ર સફર દ્વારા અમારો ઉદ્દેશ્ય ભારતની એકતાને મજબૂત કરવાનો અને સનાતન ધર્મની સામુહિક સમજનો ફેલાવો કરવાનો છે. ભગવાન રામનું નામ આપણા દેશના ખૂણે ખૂણે ગૂંજતું રહે, જેનાથી સહુને માટે શાંતિ, સદ્દભાવ અને ધાર્મિકતા આવે.

આ છે રામકથા કાર્યક્રમઃ

22 જુલાઈ – કેદારનાથ, ઉત્તરાખંડ

24 જુલાઈ – વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ

25 જુલાઈ – બૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ

26 જુલાઈ – જગન્નાથ પુરી, ઓડિશા

27 જુલાઈ – મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્ર પ્રદેશ

28-29 જુલાઈ – રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તામિલનાડુ

30 જુલાઈ – તિરુપતિ બાલાજી મંદિર, આંધ્ર પ્રદેશ

31 જુલાઈ – નાગેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

1 ઓગસ્ટ – ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

2 ઓગસ્ટ – ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

3 ઓગસ્ટ – ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર

4 ઓગસ્ટ – ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્ય પ્રદેશ

5 ઓગસ્ટ – મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, મધ્ય પ્રદેશ

6 ઓગસ્ટ – દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ગુજરાત

6 ઓગસ્ટ – નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત

7 ઓગસ્ટ – સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત

8 ઓગસ્ટ – તલગાજરડા (બાપુનું ગામ), ગુજરાત