નવી દિલ્હી– હવામાનના અનુમાન અંગે આગાહી કરનાર ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ હવામાન સર્વિસે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેશે. આ પહેલાં પણ સ્કાઈમેટે ચોમાસું સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન લગાવ્યું હતું. સ્કાયમેટના પૂર્વાનુમાન મુજબ આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં 93 ટકા રહી શકે છે. આ પહેલાં એપ્રિલની શરુઆતમાં સ્કાયમેટે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની વાત કહી હતી.
સ્કાયમેટ અનુસાર આ વર્ષે બંગાળ, બિહાર, ઝારખંડમાં વરસાદ ઓછો રહેશે. પૂર્વ ભારતમાં સામાન્ય કરતા 92 ટકા વરસાદ પડવાનું અનુમાન છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ચોમાસુ સામાન્ય કરતા 50 ટકા ઓછું રહેવાનું અનુમાન છે.
ચોમાસુ 4 જૂને કેરળ પહોંચી શકે છે. આ પહેલા ચોમસુ 22 મેના રોજ આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચશે. સ્કાયમેટ અનુસાર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સામાન્યથી વધુ રહેવાની સંભાવના ઓછી છે. જૂનમાં ચોમાસાની શરૂઆત નબળી રહી શકે છે. ચોમાસાના બીજા રાઉન્ડમાં સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરની સરખામણીએ ઓગસ્ટમાં સારો વરસાદ પડવાના અણસાર છે.
15 એપ્રિલના રોજ ભારતીય હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ લગાવ્યો હતો. હવામાન વિભાગે લાંબાગાળાની સરેરાશની તુલનામાં ચોમાસામાં વરસાદ 96 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગના અન્ય અનુમાન જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવશે. માનવામાં આવે છે કે, આ અનુમાન હકીકતથી ઘણું નજીક હોય છે.