કોલકાતામાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસાના મામલે BJP-TMC આમનેસામને

નવી દિલ્હી/કોલકાતા – કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે કોલકાતા શહેરમાં યોજેલો રોડ શો હિંસાને કારણે કલુષિત બની ગયો અને એને અડધેથી પડતો મૂકી દેવો પડ્યો હતો.

રોડ શો દરમિયાન કોલેજ સ્ટ્રીટ પાસે ભાજપ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

બિધાન સરની વિસ્તારમાં આવેલી વિદ્યાસાગર કોલેજમાં ભારતની આઝાદીની ચળવળ વખતે બંગાળ ક્રાંતિના જનક કહેવાયેલા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની અર્ધપ્રતિમાની તોડફોડ પણ કરવામાં આવી હતી.

હિંસાચાર માટે ભાજપ અને ટીએમસીએ એકબીજા વિરુદ્ધ દોષારોપણ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હિંસા કરી હતી જ્યારે બેનરજીની પાર્ટીએ કહ્યું છે કે ભાજપે બહારથી ગુંડાઓ લાવીને હિંસાખોરી કરી હતી.

દરમિયાન, પોતાની બાજુની રજૂઆત કરવા માટે અમિત શાહે આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવી છે. ભાજપે આજે દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કરવાનું પણ નક્કી કર્યું છે.

તો કોલકાતામાં, મમતા બેનરજીએ વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડના મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે અને આજે વિરોધ રેલી યોજવાનું નક્કી કર્યું છે.

ગઈ કાલની હિંસાખોરીમાં પથ્થરમારો કરાયો હતો, 3 મોટરસાઈકલોને આગ લગાડવામાં આવી હતી. ભાજપની ફરિયાદ બાદ કોલકાતા પોલીસે ટીએમસીના 100 જેટલા લોકોને અટકમાં લીધા હતા.

કહેવાય છે કે, ગઈ કાલે રોડ શો જેવો વિદ્યાસાગર કોલેજ પાસેથી પસાર થયો ત્યારે કલકત્તા વિશ્વવિદ્યાલયના ગેટ પાસે કાળા ઝંડા લઈને ઊભેલા ટીએમસીના કાર્યકર્તાઓએ અમિત શાહ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને એમને કાળા ઝંડા દેખાડ્યા હતા.

એવો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ અમિત શાહ જેમાં સવાર થયા હતા એ ખુલ્લી ટ્રક પર ટીએમસીના કાર્યકર્તાઓએ લાઠીઓ ફેંકી હતી અને ઈંટ, પથ્થરો પણ ફેંક્યા હતા. એના જવાબમાં, ભાજપ સમર્થકોએ ટીએમસીવાળાઓ પર ઈંટ ફેંકી હતી.

દરમિયાન, આજે ભાજપના કાર્યકર્તાઓ દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કરવાના છે.

મમતા બેનરજીએ ગઈ કાલે મોડી રાતે વિદ્યાસાગર કોલેજની મુલાકાત લીધી હતી અને ત્યાં થયેલી તોડફોડનું નિરીક્ષણ કર્યું હતું. એમણે વિદ્યાસાગરની મૂર્તિના ટૂકડા હાથમાં પણ લીધા હતા અને એલાન કર્યું હતું કે ટીએમસી પાર્ટી બુધવારે (આજે) કોલકાતામાં વિરોધ રેલી યોજશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]