પટનાઃ અહીંની MP/MLA કોર્ટના સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આદી દેવે એક કેસના સંબંધમાં આવતી 25 એપ્રિલે હાજર થવાનું આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ કેસ રાહુલે મોદી અટક વિશે કરેલી ટિપ્પણી સામેનો છે.
માનહાનિનો આ કેસ ભાજપના રાજ્યસભાના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કર્યો છે. અગાઉ મેજિસ્ટ્રેટે રાહુલને 12 એપ્રિલે હાજર થવા કહ્યું હતું, પણ આજની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે એમ કહીને બીજી તારીખ માગી હતી કે હાલ એમની આખી ટીમ સુરતની કોર્ટમાં કરાયેલા કેસમાં વ્યસ્ત છે. ત્યાં ભાજપના એક વિધાનસભ્યએ રાહુલ સામે માનહાનિનો કેસ કર્યો છે. તે કેસમાં કોર્ટે રાહુલને અપરાધી જાહેર કરી એમને બે વર્ષની સજા ફરમાવી છે. કોર્ટના આ ચુકાદાને પગલે રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. વકીલની વિનંતી માન્ય રાખીને પટનાની કોર્ટે રાહુલને 25 એપ્રિલે હાજર થવાનું ફરમાન કર્યું હતું.